૨૫.૦૧.૨૦૦૯

મારા પિતાશ્રીને તા. ૨૨મીએ જમણા થાપે ફ્રેક્ચર થયું. ૨૩મીએ સ્ટીલનો બોલ બેસાડવા ઓપરેશન કર્યું. ૮૩ વરસની ઉંમરે શરીરમાં અન્ય કોઇ બીમારી ન હોવાથી સરળતાપૂર્વક અને હેમખેમ રીતે ઓપરેશન થઇ શક્યું.

મારે રાત્રે પિતાશ્રી પાસે રાત્રે હોસ્પિટલમાં રોકાવું અને મારા મોટા ભાઇ, માતુશ્રી તેમજ તૃપ્તિ દિવસ દરમ્યાન પિતાશ્રીને કંપની આપે તેવી વ્યવસ્થા ગોઠવી.

૯ વરસથી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે સેવા બજાવતા ૨૮ વરસના કલ્યાણ અને ૨૩ વરસના મુકેશની વાત આજે કરવી છે.

કલ્યાણ – બારમુ પાસ કરીને વોર્ડબોયની નોકરી સ્વીકારી. પુરૂષ દર્દીઓને હુંફાળા પાણી વડે સ્પંજ કરવાનું કામ તેની મુખ્ય ફરજ. તેને ત્રણ દિવસથી નિયમિત રીતે સવારે ૬.૩૦ કલાકે ગુડમોર્નિંગના રણકા સાથે રૂમમાં પ્રવેશતો જોઉ છું. હળવા હાથે દર્દીના નાદુરસ્ત શરીરને જરૂરી જોર અને દબાણ સાથે સ્પંજ કરવાનું કામ કરવામાં તેને આનંદ લેતો જોઇને સહજ રીતે આશ્ચર્ય તો થાય જ ને ? પહેરેલા કપડા કાઢવા, દરેક અંગ અને અવયવને સાધારણ ગરમ પાણીમાં બોળીને નીચવેલા નેપકીન વડે સાફ કરે .. સાથે સાથે કોરા નેપકીનથી લૂછતો જાય .. માથું, વાળ, કપાળ, ગાલ, આંખ, કાન, કાનની બૂટ, નાક, દાઢી, ગળુ, હાથ, બગલ, કોણી, કાંડુ, ચારેય આંગળીઓ, અંગુઠો, નખ, છાતી, કમર, પીઠ (બરડો), જાંઘ, ઘુંટણ, પાની, પગની આંગળીઓ અને અંગૂઠો. નવા.. તાજા.. કોરા કપડા પહેરાવે .. કેથેટરની નળી, સલાઇનની સોય જેવા અટેચમેન્ટને ખલેલ્યા વગર!! …. તેના ચહેરાના ભાવ એવા કે તે પોતાના જ પિતાજીની સુશુશ્રા ના કરતો હોય ?

મુકેશ – સાતમી ચોપડી પાસ કરીને કામે વળગી ગયો. દર્દીને લઘુ અને ગુરૂશંકા થાય ત્યારે સેવા આપવી તેની મુખ્ય ફરજ. મોટી ઇંમરના.. ઓર્થોપેડિક સમસ્યાના દર્દીઓને પલંગમાં જ, બીછાને સુતા સુતા મળત્યાગ કરાવવાનું પછી સફાઇ કરવાનું કામ કેવું અને કેટલું અઘરું છે તે તેને જોયા પછી વધારે સારી રીતે સમજી શક્યાનો અહેસાસ થયો.

પોતાના .. સ્વજનોની સારવાર તો કદાચ સૌ કરે .. પણ .. તદ્દન અજાણ્યા વ્યક્તિની મોં પર સ્મિત સાથે આવી સેવા કરનારાઓને કદાચ આપણે નાના ગણવાની ભૂલ તો નથી કરતાંને ?

કોણ કહે છે, નાના માણસોને પ્રભુ મોટું દિલ નથી આપતો ??

મને તો હવે એમ લાગે છે કે …

આવા માનવીઓને નાના યે ના કહેવાય .. બલ્કે સાચા અર્થમાં બહુજ વિશાળ કદના વ્યક્તિ ગણાય.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા, મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to ૨૫.૦૧.૨૦૦૯

  1. sushil sutariya કહે છે:

    swabhav ne vadhare mahatva apvu ke karya ne,
    emnu karya saru chhe, pan shu eno swabhav saro hashe……?

  2. vijayshah કહે છે:

    tamaaru maanavu sachu chhe. aavaa maanavi naanaa hargiza naa kahevaay…

ટિપ્પણીઓ બંધ છે.