વર્તમાન વાસ્તવિકતા – ૧

૨૩.૦૨.૨૦૦૯ 

હિતેશભાઇ લખે છેઃ

વિદ્યાર્થીઓની વધતી જતી ઉદ્ધતતા માટે કોણ જવાબદાર ?

દિવસે – વસે વિદ્યાર્થીઓમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોલેજમાં મારામારી અને ગાળાગાળી પર ઉતરી આવતા હતા. હવે આ દૂષણ ધીરે ધીરે શાળાના વિદ્યાર્થીઓમાં પણ પ્રસરી રહ્યું છે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડે એ બરાબર નથી પરંતુ કદાચ કોઈ તેનો સ્વીકાર કરી લે પરંતુ વિદ્યાર્થીઓ હદ બહાર જઈને તેમના શિક્ષકો કે આચાર્ય સામે મારામારી કરવા જાય તે કેટલું યોગ્ય છે ? ઘણીવાર તો શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હોય અને વિદ્યાર્થીને ખોટું લાગી જાય તો વિદ્યાર્થી અને તેના વાલી પણ શિક્ષકોને શાળામાં મારવા આવી ચડતા હોય છે એવા કિસ્સાઓ પણ અખબાર અને ચેનલો પરજોવા  મળે છે.

થોડા સમય પહેલાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીએ તેના શિક્ષક સાથે મારામારી કરી હતી. એવા સમાચાર સાંભળ્યા ત્યારે થયું કે આ વિદ્યાર્થીઓ આટલા બેફામ કેમ થઈ ગયા છે. વિદ્યાર્થીઓના આ પ્રકારના વર્તન પાછળ અનેક કારણો જવાબદાર છે. તે અંગે વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, આચાર્યોએ, શાળાના સંચાલકોએ તેમજ વાલીઓએ આ મામલે ખાસ ચિંતન કરવાની જરૃર છે. શિક્ષણનો મૂળ હેતુ ‘કંકર’માંથી ‘શંકર’ બનાવવાનો છે. વિદ્યાર્થી શાળામાં આવીને બધી રીતે ઘડાય અને નવું કાંઈક શીખે તે જ મહત્ત્વનું છે. શાળાની ચાર દીવાલો વચ્ચે પાટલીઓ પર બેસીને વિદ્યાર્થીઓ માત્ર લેશન શીખીને પ્રશ્નોના ઉત્તરો આપે તેટલું પૂરતું નથી પરંતુ મૂલ્યનિષ્ઠ જીવનના પાઠ પણ તેઓ શીખે તે જરૃરી છે. નેવું ટકા લાવનાર વિદ્યાર્થીમાં જો પ્રામાણિક્તા કે શિસ્ત જોવા ન મળતી હોય તો તેવા શિક્ષણને શું કરવાનું ?

વિદ્યાર્થી શાળામાં પાંચ કલાક ભણે છે જ્યારે ૧૯ કલાક તેના ઘેર હોય છે. આ રીતે જોઈએ તો શાળાના વાતાવરણ કરતાં ઘરના અને આસપાસના વાતાવરણની વધુ અસર વિદ્યાર્થી પર વધુ હોય છે. આજના વિદ્યાર્થીઓ શાળાના સમય સિવાયના કલાકોમાં અભ્યાસ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવે છે તે મહત્ત્વનું છે.  શિક્ષકને તો ૪૦ મિનિટના પિરિયડમાં તેના અભ્યાસક્રમને લઈને ચેપ્ટર કે લેશન પૂરો કરવાનો હોય છે. આવી સ્થિતિમાં ૬૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં દસેક આવા ઉદ્ધત અને ગેરશિસ્ત મચાવનારા વિદ્યાર્થીઓ હોય તો કોઈ પણ શિક્ષકને વર્ગખંડમાં ભણાવવું મુશ્કેલરૃપ બને છે. શિક્ષક વિદ્યાર્થીને શારીરિક શિક્ષા તો કરી શકે નહીં એટલે આવા વિદ્યાર્થીને ક્યારેક ક્લાસની બહાર બેસાડે, ક્યારેક ઉગ્ર મિજાજવાળા વિદ્યાર્થીઓના રોષનો ભોગ શિક્ષક – આચાર્યને બનવું પડતું હોય છે. બદલાઈ ગયેલા વાતાવરણમાં શિક્ષક વિદ્યાર્થીઓ પર વધુ દબાણ કરી શકતા નથી.

શિક્ષણને લઈને કોઈ પણ ઘટના બને છે તો આક્ષેપો સીધા શિક્ષકો પર જ થાય છે. તે બરોબર નથી. શિક્ષક તો વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ‘પંતુજી’ નહીં પણ સાવ રંેજીપેંજી થઈ ગયો છે ! તે વિદ્યાર્થીને ખખડાવીને બે શબ્દો કહી શકતો નથી. એવી સ્થિતિ બધે જ બની છે. હા એ વાત ચોક્કસ છે કે પાટણની પીટીસી કોલેજના બળાત્કારકાંડ જેવા કાંડ કરનાર શિક્ષકોને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. તે શિક્ષણજગતની અત્યંત કલંકિત ઘટના હતી. અહીં મૂળ મુદ્દો વિદ્યાર્થીઓમાં વધતી જતી ગેરશિસ્ત અને શિક્ષકો પ્રત્યેના ખરાબ વર્તનનો છે. આજે વિદ્યાર્થીઓ પહેલાંની જેમ તેમના શિક્ષકો – આચાર્યોનો આદર કરતા નથી. શિક્ષકને જોઈને વિદ્યાર્થી નમ્ર બની જાય તે બાબત જૂના જમાનાની વાત બની ગઈ છે.  વાતાવરણ જ એનું નિર્માણ થયું છે કે વિદ્યાર્થીઓમાં રહેલી તોફાની વૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ રાક્ષસીવૃત્તિ તરફ વળી જતા હોય છે. દોઢ દાયકા પહેલાં આશ્રમ રોડ પરની એક જાણીતી કોલેજના આચાર્યને વિદ્યાર્થીઓએ મારીને તેમનો શર્ટ ફાડી નાંખ્યો હતો. એક આચાર્યને તો હાથે ફેકચર કરી નાખ્યું હતું. શું આ વિદ્યાર્થીઓની ઓળખ છે ? આ શિક્ષણજગત સાથે સંકળાયેલ મામલો છે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો સાથે મળીને આ બાબતે વિચારે અને જાગૃતિ લાવે તો જ આવી સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. ભારતીય શિક્ષણના મોડેલને અમેરિકા કે અન્ય યુરોપીય દેશોના મોડેલ સાથે સરખાવવું ઉચિત નથી કારણ કે અમેરિકાની શાળાઓમાં ભારતના જેવી સ્થિતિ નથી. ત્યાં વર્ગમાં માંડ વીસ વિદ્યાર્થીઓ હોય છે. આપણે ત્યાં ૬૦ વિદ્યાર્થીઓ વર્ગમાં હોય છે. આપણી શિક્ષણપદ્ધતિ અને અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફાર લાવવામાં આવે તો પરિવર્તન લાવી શકાય. આજે એ પ્રક્રિયા શરૃ કરવામાં આવે તો તેની અસર વીસ વર્ષ પછી દેખાશે. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નવી શિક્ષણ નીતિની વાત થઈ હતી, પરંતુ તેમાં કેટલું વિધેયાત્મક પરિવર્તન આપણે લાવી શક્યા છીએ તેનો અંદાજ આજની પરિસ્થિતિ પરથી આપણને ધ્યાનમાં આવે છે. આથી આપણે આપણી શિક્ષણનીતિ ઘડતી વખતે ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને ઘડવી રહી. આપણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માનસિક્તાને પણ ધ્યાનમાં રાખવી જ રહી. પરદેશનું મેકોલે મોડેલ ભારતીય શિક્ષણ પરંપરા અને સંસ્કારને બચાવી શકશે નહીં.

હવે મને લાગે છે કેઃ

આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …
 
.. રોજ પૂછાયા કરે છે ..
 
.. ફોરવર્ડ થતા રહે છે ..
 
અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …
 
વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …
 
અમે ( તૃપ્તિ અને મેં )ગુજરાત રાજયમાં કરેલા પ્રવાસની સંખ્યા ભલે ઓછી છે પણ તે દરમ્યાન થયેલા જાત અનુભવો પરથી તારણ તો કાઢી જ શકાય એમ છે કે,
 
૧. ૯૯% લોકોનો વ્યવહાર કહેવાનો જુદો, કરવાનો જુદો અને લખવાનો જુદો છે.
૨. સમસ્યાની સામે થઇ જઇને પડકારવાની હિંમત વિકસાવવાને બદલે પોતાનું હિત જળવાઇ જાય એટલે પત્યુંનો જ અભિગમ ચારેય બાજુ દેખાયો છે.
૩. છાપા કે અખબાર અને ટીવી વાળા જે લખે કે બતાવે એ જ  સાચું એવી મનોદશા હેઠળ મોટા ભાગના લોકો જીવે છે.
૪. રાષ્ટ્રહિતની માત્ર વાતો જ કરવામાં આવે છે.
૫. રાષ્ટ્રની સંપત્તિ તેમજ સંસ્કૃતિના જતન અંગે માત્ર ભાષણબાજી જ થાય છે.
 
મોદી સાહેબના કે પછી આપણા ગુજરાતમાં, પાંચ કરોડ ગુજરાતીઓના ફક્ત ૧૪ વરસની ઉંમરે પહોંચેલા, ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને ધો. ૯માં ભણતા આશરે ૧૨૦૦ બાળકો સાથે અમે કરેલ પ્રવાસ દરમ્યાન થયેલા સંવાદે મને અત્યંત અશાંત કરી મૂકયો છે.
 
ધો. ૮, ૯, ૧૦ અને ૧૧માં ભણતા બાળકોને એ ખબર નથી કે –
 
મનીઓર્ડર એટલે શું ?
ટપાલખાતું કેવીરીતે ચાલે છે ?
પર્યાવરણના પાઠનો સંબંધ તેમની આજુબાજુના વાતાવરણ સાથે શું છે ?
રેલ્વે રીઝરવેશન કેવી રીતે થાય ?
ચોરી થાય તો પોલિસ સ્ટેશને જઇને શું કરવું ?
રક્તદાન એટલે શું  અને તે કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે ?
મોબાઇલ ફોન કે એના જેવા અધ્યતન ઇલેક્ટ્રોનિક ઉપકરણને રમકડાની જેમ વાપરનાર બાળક સાદા ગણિતના સાદા હિસાબ કેવી રીતે કરાય ?
 
આવા તો બીજા અનેક રોજીંદા જીવન સાથે સંબંધીત વિષયો છે.
 
કોનો વાંક કાઢશો ?
 
બાળકો ઠોઠ છે ?
શિક્ષકો નકામા થઇ ગયા છે ?
સંચાલકોને કેળવણીમાં રસ નથી ?
વાલીઓને ‘ભણતર’ ની સાચી સમજ નથી ?
 
આ સાંભળેલી વાતો નથી …. જાતે અનુભવેલી વાત છે.
 
એ.પી.જે. કલામસાહેબે ૨૦૨૦ સુધીમાં  ભારત સુપર પાવર બનશે તેવી આશા કયા, કેવા અને કેટલા બાળકો પર રાખી હશે ?
 
આજે ૨૦૦૯માં ૧૪ વરસના બાળકો જ ૨૦૨૦માં ૨૫ વરસના યુવાનો બનશેને ?
કે પછી હોંશિયાર, ચતુર, ચબરાક, તેજસ્વી હોય તેવા રેડીમેડ યુવાનોની આયાત કરવા સરકાર વિચારે છે ??
 
વાંક કાઢીને બેસી રહેવાને બદલે ..
 
૧. માતા–પિતાએ પણ શાળા/કોલેજોમાં પોતાના બાળકો સાથે દર સપ્તાહે એક કલાકનો એક પિરિઅડ ભરવાનો સમય આવી ગયો છે.
૨. પ્રત્યેક શિક્ષકના જ્ઞાનનું વર્તમાન જરૂરીયાત સંદર્ભે મુલ્યાંકન કરવું જરૂરી છે.
૩. વ્યવસ્થાપકોની સંસ્થા ચલાવવા અંગેની વૃત્તી ‘કેળવણીલક્ષી’ છે કે ‘વ્યાપારલક્ષી’ છે તે તપાસવી જરૂરી છે.
૪. અભ્યાસક્રમ સમયાનુસાર રાષ્ટ્રની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી બાળકના સર્વાંગી (શારિરિક, માનસિક, ધાર્મિક, અધ્યાત્મિક, આર્થિક અને સામાજિક) વિકાસ કરી શકવા સક્ષમ હોવો જ જોઇએ.

વિચારને લાંબો કરવાને બદલે અમલમાં મુકવાની વધારે જરૂર છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in તેજાબ. Bookmark the permalink.

1 Response to વર્તમાન વાસ્તવિકતા – ૧

  1. સુરેશ જાની કહે છે:

    નીરાશ કરી દે તેવી માહીતી

    હું નોકરી કરતો હતો , ત્યારે એન્જી. ટ્રેઈનીના ઈન્ટતરવ્યુમાં આવા જ અનુભવ થતા. અને બધા પ્રથમ વર્ગમાં પાસ થયેલા ઈજનેરો !!

ટિપ્પણીઓ બંધ છે.