૦૯.૦૩.૨૦૦૯ હોલિકાપૂજન

3329

આજે રાત્રે ૮.૩૦ના સુમારે હોલિકાપૂજનનો સમય હતો. હું પણ તૃપ્તિ સાથે હોલિકાના દર્શને ગયો.

ગયા વર્ષ કરતાં આ વર્ષે પોત પોતાની મમ્મીઓ સાથે આવેલા યુવક – યુવતીઓની સંખ્યા વધી હોય એવું લાગ્યું.

પૂજાનો થાળ … કંકૂ, ચોખા, ફૂલ, હાર, સોપારી, પાન, ઘીનો દિપક, અગરબત્તી, કેળા, શ્રીફળ, ધાણી, ચણા, ખજૂર, પાણી ભરેલો કળશ … લઇને કેટલીક મમ્મીઓ પોતાના સંતાનોને હોલિકાનું પૂજન કરવા માર્ગદર્શન આપતી હતી. બાકીના બીજા જે કરે તે જોઇ જોઇને …. પૂજન કરી રહ્યા હતા.

નાનકડા ભૂલકાઓને હાથમાં ઉંચકીને પ્રજવલિત હોલિકાની પ્રદક્ષિણા કરતી મમ્મીઓનું ધ્યાન સાડી કે જીન્સ પેન્ટની કિનાર કાદવવાળી ના થઇ જાય તેમાં વધારે હતું. આગળ ચાલી રહેલી વ્યક્તિને અનુસરવું અને પાછળ આવનારનો ધક્કો લાગી ના જાય તેમાં મન પરોવાઇ ગયેલું લાગતું હતું. બ્રાહ્મણને શોધી જોયો, પણ ના જણાયા !!

જેમ જેમ પ્રદક્ષિણા કરનારાઓની સંખ્યા વધતી ગઇ … કળશમાંથી અર્ધ્યેલું જળ જમીન પર કાદવ વધારી રહ્યું હતું. કોંકે કરેલ પૂજનના દિપકને પ્રદક્ષિણા કરતાં ઠેસ વાગી જાય .. કેળાના નૈવેધ્ય પર પગ પડી જાય … પછી … ગંદકીમાં વધારો … હોમેલા શ્રીફળ પ્રસાદ બનીને બહાર નીકળે…. એક મોટા કાળા પત્થર પર તેને વધેરવામાં આવે … શ્રધ્ધા સાથે … રાખ/ભસ્મવાળો પ્રસાદ ખવાય … કોઇ પરિચિત દેખાય કે મળી જાય તો પછી ખબર અંતર પૂછાય … માર્ચ મહિનો એટલે બોર્ડની અને વાર્ષિક પરીક્ષાઓનો મહિનો ..

હું મારી નાનીશી પ્રાર્થના કરીને એક બાજુ પર પરિસ્થિતિનો મૂક સાક્ષી બની પગરખાં સાચવતો ઉભો હતો. મને થયું ચાલ આજકાલના આ પોયરાવણને પૂછી લેમ કે, લ્યા .. તને ખબર કે લોક હાના હારુ હોળી ઉજવે ? ( પહેલી વાર મેં મારી વલહાડી ભાસાનો ઉયપયોગ કૈરો સે હોકે ! )

અને મને જવાબ મૈલા કે, અંકલ… ટે ટો હારુ……. ની ખબર.. આતો બસ .. કલર નાખવાનો ને મજા મારી લેવાની.

મેં પૂછયું, તુએ પારથનામાં હોલિમાતાને હું કીધું ? કે પસી કંઇ માંઇગૂ કે ?

તો જવાબ મળ્યો કે, અંકલ …. આહિ તો હારા બઢા માઇગા જ કરતા હે જો, ટે માતાજી હો કેટલાને કેટલું આપહે ? હારા કોઇ મેહનત કરવા માગે જ ની ને… હારા બઢાને બધ્ધું જોઇવે તે થોડું ચાલે .. કોઇ કે સે .. પરિક્ષામાં પાસ કરી દે જે .. કોઇ કે સે .. પગારમાં વધારો કરી દે જે ..કોઇ કે સે .. પોરીનું ઘેર નક્કિ કરી આલજે …. કોઇ કે સે .. મારા વરનો ઢંઢો હરખો કરી મેલજે … કોઇ કે સે .. ગાડી લેવરાવજે … કોઇ કે સે .. હહરાજીની ટબિયત હારી કરી આલજે … કોઇ કે સે .. વચ્ચેથી મે અટકાવીને પૂછયું ….. પણ તેં શું માંગ્યું ?

તો કહે છે કે, હે હોલિકામા, સમગ્ર વિશ્વના લોકોમાં રહેલી અસંતુષ્ટી, લોભ અને અન્યોને છેતરવાની વૃત્તિ બાળી નાખજો … વિચારોમાં પ્રસરી ગયેલી કલુષિતતાને સળગાવી મનને શુધ્ધતા બક્ષજો …

પ્રજવલિત હોલિકાની આકાશ તરફ ઉંચે ચડતી જવાળાઓના પ્રકાશમાં તેણે મારી બંન્ને આંખને ખૂણેથી સરી પડવાની તૈયારી કરી રહેલા બે બુંદ ….. જોઇ લીધા અને વળતો સવાલ કર્યો, કેમ અંકલ …. આ આગની ઝાળ બહુ લાગે છે નહિ?

મેં વહાલથી મારો હાથ તેને માથે મૂકયો અને ….

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to ૦૯.૦૩.૨૦૦૯ હોલિકાપૂજન

  1. Suresh Jani કહે છે:

    ઈ કોંઈ નો બદલાય . હાલ્યે ઈમ હાલવા દ્યો બાપુ ..

    આપણા કેટલા ટકા?

    જો કે, ફ્લેટોમાં પુજન માટેઈંટોના હવન કુંડને બદલે સ્ટીલનાં પાત્ર તો ક્યારનાંય આવી ગયાં છે . ગોરમહારાજને કન્વીનીયન્ટ પડે ને?!!!

  2. Ashok કહે છે:

    navyuvane sachot kahyu chhe…..

ટિપ્પણીઓ બંધ છે.