ઉદયપુર પ્રવાસ – ૧

  

પ્રવાસ વર્ણન લખવાનો મારો આ પ્રથમ પ્રયત્ન છે. મૂળ રહ્યો હું અવાજની દુનિયાનો માણસ. અક્ષરોની શબ્દમાળા અન્ય બ્લોગરોના લખાણ વાંચીને બનાવતા શીખી રહ્યો છું. મારા લખાણમાં જોડણી અને વ્યાકરણની ભૂલ / ક્ષતિ હોવાની સંભાવના છે. ચલાવી લેજો.

ફોટોગ્રાફ્સની વિગત જાણવા કર્સર ચિત્ર ઉપર લાવજો.

તા.૨૭.૪.૨૦૦૯

સાંજે ૬.૦૦ કલાકે – ઉદય મોટરસાયકલમાં ૧૦ લીટર પેટ્રોલ ભરાવી આવ્યો અને વ્હિલમાં હવા ચેક કરાવી લીધી.
રાત્રે ૭.૦૦ કલાકે – વલસાડના મોટા ગણેશ અને અંમ્બા માતાના મંદિરે અમે દર્શન કરી આવ્યા.
રાત્રે ૮.૦૦ કલાકે – મારા ઘરમાં મારા વડીલો અને પાડોશીઓ ..

અખિલભાઇ, હવે આ ઊમરે તમને વળી આ સાહસ કરવાનું શું સુઝયુ ?,સામાન ઓછો જ રાખજો,શ્વેત વસ્ત્રોમાં ગરમી નહિં લાગે, ગ્લુકોઝ ભૂલી ના જતા, પાણી ખૂબ પીજો, પીપરમીન્ટ લેજો, હેલમેટ તો ખાસ રાખજો, લાયસન્સ અને પીયુસી ચેક કરી લેજો, હાઇવે પર ધ્યાન રાખજો, રસ્તાની ડાબી બાજુએ જ રહેજો, ઓવરટેઇક કરવાની ઇચ્છાને કાબુમાં રાખજો, જેમને ઉતાવળ હોય તેવા સૌને આગળ જવા દેજો, ટ્રાફિક જામમાં બહુ સાપોલિયાવેડા ના કરતા,રેકડીઓ પરથી ગમ્મે તેવી રીતે બનેલું ગમ્મે તેવું ખાતા પીતા નહીં, દર કલાકે કેટલે પહોચ્યા તેના સમાચાર આપવા આળસ નહિં કરતા, મોબાઇલની બેટરી હોલ્ટ કરો ત્યારે ચેક / ચાર્જ કરી લેવાનું યાદ રાખજો,રસ્તે આવતા સબંધીઓ અને મિત્રોને મળતા જજો, અજાણ્યા માણસો સાથે બહુ લપ્પનછપ્પન ના કરતાં, ફાસ્ટ જતા વાહનો સાથે રેસમાં તો ઉતરવાનું જ નહી,ખર્ચનો હિસાબ ડાયરીમાં લખતા રહેવાનું,થાક લાગે ત્યારે આરામ કરી લેવાનો, મોઢું થોડી થોડી વારે થંડા પાણીની છાલક મારીને ધોતા રહેવાનું, સનબેન ક્રિમ વાપરજો, ફળ અને જયુસ પીવાનું રાછો ત્યારે જોજો કે ચોખ્ખા અને સરસ રીતે ધોયેલા ડીશ અને ગ્લાસમાં જ આપે,ડીહાઇડ્રેશન કે ડાયેરીયા થઇ જાય તો ઉલમાંથી ચૂલ .. ભારે પડી જાશે, ચાલો હવે સૂઇ જાઓ, સવારે વહેલા ઉઠવાનું છે.

મને મનમાં થયું .. તમે જાવ તો અમે અમારી તૈયારી કરીએને ?

જોકે કપડાં તો બબ્બે જોડી જ લેવાના હતા.પાણીની બે બોટલ,ડાયરી,પેન,વોઇસ રેકોર્ડર અને તેના સેલ,મોબાઇલ ફોન,ચાર્જર,ચશ્મા,સનગ્લાસીસ,નેપકીન, દુપટ્ટા,ગ્લુકોઝ પાવડર,ગમછા,૧૦–૧૨ લીંબુ નીચવીને કાઢેલો રસ,મીઠુ,૨૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ,૫૦૦ ગ્રામ ખજૂર રકસક બેગના જરૂરીઆત પ્રમાણેના ખાનામાં ભરી દીધું.

તા.૨૮.૪.૨૦૦૯

સવારે ૩.૦૦ કલાકે બીએસએનએલની ટેલીફોન સેવાનું એલાર્મ રણકી ઊઠયું.મારી આંખ ખુલી.ઉદયની પથારી ખાલી હતી.સવારે કાયમ ૮ વાગે ઉઠવાની ટેવવાળો ૨૪ વર્ષનો મારો મોટો દિકરો ઉદય ન્હાવા ગયો હતો.મને તરત જ સમજાયું કે,જીવનમાં મનગમતા વાહન દ્વારા કરવાના પ્રવાસ પ્રારંભે ઉત્તેજના કેવી હોય.જોકે મારાય બાવન થયા પણ અંદર બાળપણ તો અઠવાડીયાથી સળવળતું હતું.મારા અને અમારા બંનેના જીવનનો આવા પ્રવાસનો પ્રથમ પ્રસંગ હતો.આ પ્રવાસ દરમ્યાન બુલેટ ચલાવવાનું કામ ઉદયે કરવાનું હતું અને મારે પાછળ રકસક બેગ ખભા પર લટકાવીને ઘોડો કરીને બેસવાનું.

મેજર મેઇન્ટેનન્સ પછી બુલેટ પહેલી જ વાર આટલો લાંબો પ્રવાસ કરવાનું હતું.(બુલેટ નાન્યતર હોય એવું ભણ્યો છું ).સૌરાષ્ટ્રના જામનગરથી વલસાડ આવીને માત્ર બુલેટનું જ રીપેરીંગ કરનાર ચીમનભાઇએ પણ દિલથી હાવ ખલ્લાસ થવા આવેલી હાલતની ઉદયની બુલેટને દિલથી નવીનક્કોર બનાવી દીધી ત્યારે પહેલી નજરે તો અમે પણ ભરોસો ના કરી શક્યા કે, જુની ગાડીને આવી મસ્ત .. ચકાચક .. તદ્દન નવી બનાવી શકાય!

ચિમનભાઇ ફાઇનલ ટેસ્ટ કરી રહ્યા છે. ચિમનભાઇ અને ઉદય બુલેટની ટેસ્ટ રાઇડ લઇને આવી પહોંચ્યા. 

માત્ર સાતમી ચોપડી સુધી ભણેલા અને ફક્ત ગુજરાતી ભાષા જાણનાર ચિમનભાઇ બુલેટની યાંત્રિક રચના અંગે રજેરજ જાણકારી ધરાવે છે.દર મહિને ફક્ત બે જ બુલેટનું કામ હાથ પર લેનાર ચિમનભાઇ માને છે કે,કામ કરવું તો દિલથી કરવું,ઓછું કરવું પણ એવું કરવું કે નામ થાય અને જરૂર જેટલા દામ મળી રહે.મારી તો એમની સાથે હવે દોસ્તી થઇ ગઇ છે.  એમણે એમના અનુભવને આધારે આપેલી સુચના અનુસાર અમારે મહત્તમ સ્પીડ ૪૦ થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની રાખવાની હતી અને લગભગ દર કલાકે દસેક મીનીટનો વિરામ એન્જીન/પીસ્ટન વધારે પડતા ગરમ ના થઇ જાય તે માટે લેતા રહેવાનું હતું.

 સવારે ૪.૦૦ને ટકોરે અમે તૈયાર થઇ ગયા. મારી જીવનસાથી તૃપ્તિ અને મારો ૨૧ વર્ષનો નાનો દિકરો ઉમંગ તેમની મિશ્રલાગણીઓ મારાથી છાની રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા.(કદાચ મારી મક્કમતા હજુ પણ મારી જીદમાં જ ગણત્રી પામે છે.)

બરાબર ૪.૧૫ કલાકે સવારની થંડકમાં રોયલ એન્ફિલ્ડ મોટરસાયકલ બુલેટને કીક મારતી વખતે ઉદય કેટલો રોમાંચિત હતો તે શબ્દોથી લખવું કે કહેવું બાપ તરીકે મારે માટે શક્ય નથી પણ એટલું જરૂર કહીશ કે યુવાન દિકરાને પ્રેમ કરનાર દરેક પિતાએ આવો એક પ્રવાસ કરવો જોઇએ.શહેર આખું ઉનાળાને મળસ્કે મીઠી નિંદર માણી રહ્યું હતું ત્યારે બ્રહ્મમુહુર્તમાં આવો અને આટલો લાંબો પ્રવાસ પહેલી વખત કરી રહેલા અમે બંને બાપ દિકરા અત્યંત રોમાંચિત હતા.ધકધક ધકધક ની રીધમમાં બુલેટનું ૩૫૦ સીસીનું પાવરફુલ એન્જીન ૪૫ (ઉદય) અને ૭૫ (અખિલ) કિલોના બે પ્રવાસીઓના સામાન સહિત કુલ  ૧૩૦ કિલો વજન સાથે પહેલા ગીયરમાં પડીને પોતાની ક્ષમતા સાબિત કરવા સંપૂર્ણપણે ચાલકના નિયંત્રણ હેઠળ પ્રતિક્ષા કરી રહ્યું હતું.

તૃપ્તિએ બુલેટને કંકુ કર્યું,ઉદયને તિલક કર્યું અને માતૃપ્રેમ પ્રગટ કર્યો .‘બેટા, સાચવીને ચલાવજે’, મને તિલક કર્યું અને (?)પ્રેમ પ્રગટ થયો ..‘જો જો, તમે એનું ધ્યાન રાખજો અને ફાસ્ટ ચલાવવા બહુ પાનો ના ચડાવતા’!!! આંખમાં ભીનાશ હતી, દિલમાં આનંદ હતો, દિમાગમાં આત્મવિશ્વાસ અને ઇશ્વર પર સંપૂર્ણ ભરોસો હતો.

અમે વલસાડથી ઉદયપુર સુધીની ૫૫૩ કીલોમીટરની મુસાફરી શરૂ કરી.નેશનલ હાઇવે નંબર આઠ પર ચીખલી,નવસારી ગ્રીડ,વેસ્મા,પલસાણા,કડોદરા,વાવ,કામરેજ,કીમ,કોસંબા,પાનોલી,અંકલેશ્વર,ભરૂચ બાયપાસ,સરદાર બ્રીજ પરથી નર્મદા દર્શન,કરજણ,પોર,વડોદરાના ચારેય બાયપાસ – ડભોઇ,છોટાઉદેપુર,આજવા,વાઘોડિયા,પાર કરીને  સ્ટેટ હાઇવે નંબર ૬ પર હાલોલ,કાલોલ,ડેરોલ,વેજલપુર,ગોધરા,સહેરા,લુણાવાડા,મોડાસા બાયપાસ,ફરી પાછા અમદાવાદ તરફથી આવતા નેશનલ હાઇવે નંબર આઠ પરથી શામળાજી થઇ ગુજરાતમાંથી રાજસ્થાન પ્રવેશ કરીને ડુંગરપુર બાયપાસ અમારા રૂટ પર આવનારા મહત્વના માઇલ સ્ટોન્સ બનવાના હતા.

દિલની ધડકન અને ઊભેલા બુલેટની ધકધક હવે પરાકાષ્ટાએ આવી ચૂક્યા હતા.પ્રથમ ગીયરમાં જતાંની સાથે જ એન્જીન પણ બોલી ઉઠયું,‘જય ગણેશ,જય શ્રી કૃષ્ણ’

ક્યારેક એ નક્કિ કરી નથી શકાતું કે આપણે ધાર્મિક છીએ કે આધ્યાત્મિક ? ધાર્મિક હોવાને કારણે ઇશ્વર પર ભરોસો હોય કે આધ્યાત્મિક હોવાને કારણે ઇશ્વર સાથેના સંબંધની સમજ મળી ગઇ હોય.વાત કયાંક દિલના રીશ્તામાં રહેલી શ્રધ્ધા પર હોય કે પછી દિમાગે કેળવેલ અવસ્થાના જ્ઞાનની હોય.

મારા ઘરથી નીકળી શેરીઓમાં શાંતિથી ઊંઘી રહેલા કૂતરાઓને સફાળા જગાડી દેતો બુલેટનો અવાજ સાભળવાની મજા લેવાનો આ મારો પહેલો અનુભવ હતો.કેટલાક અમારી તરફ ભસ્યા તો કેટલાક તેમના મહોલ્લાના દુશ્મન જાણી અમારી પાછળ થોડું દોડયા પણ ખરા અને પછી અમને હાંકી કાઢયાનો સંતોષ પામીને ફરી પાછા સૂઇ ગયા હશે (કોને ખબર?) રાજમાર્ગ આવીને દિવસ દરમ્યાન ભરચક રહેતા બજારની મુખ્ય સડકને સાવ સુમસામ જોવાની મજાયે જુદી જ હતી.મોડી રાત્રે બહારગામથી આવેલા એકલદોકલ યાત્રીઓ ચાની રેકડી પર સવારની પ્રતિક્ષામાં ચાની ચુસ્કી લેતાં જોવા મળ્યા.જીએસઆરટીસીની લાંબા રૂટની બસના જાગૃત ડ્રાઇવરો અને કંન્ડક્ટરો મહદઅંશે નિન્દ્રાધિન મુસાફરોને લઇ જતા હતા.વલસાડની ઉત્તરે વહેતી ઔરંગા નદીના પુલ પરથી પસાર થતાં ઉદયે ફૂલ બીમ લાઇટ બંધ કરી અને અમે નદીના પાણી પર નિતરતી ચાંદની જોઇ.વાહનનોના પૂલની પૂર્વમાં રેલ્વેનો પૂલ છે.રેલ્વેની સીગ્નલ લાઇટો ઝળહળી રહી હતી.આંધળાનેય અંધારામાં દેખાય એટલે શું તે સમજવા આવી પરિસ્થિતિના સાક્ષી બનવું જરૂરી છે.

મારો ચાલક તેના જીવ કરતાં પણ વહાલા વાહન પર આવા વેશમાં મને હજુ સુધી કોઇએ જોયો નથી.

ચિખલા,સરોણ,કાંજણહરી થઇને નેશનલ હાઇવે નંબર આઠ પર અમે આવી પહોચ્યાં.અટલબિહારીજીની સરકારે કરેલા કેટલાક ઉમદા કાર્યોમાંનું મારા મતે શ્રેષ્ઠ કાર્ય એટલે ફોર લેન હાઇવેઝનું નિર્માણ.લીલા અને ભૂરા રંગના ફ્લોરેસન્ટ બોર્ડ પર વાહન ચાલકો માટે અંકિત કરવામાં આવેલ માહિતિ ભૂલા પડવું હોય તો પણ ન પડવા દે.કોઇને કંઇ પૂછવાની જરૂર જ ન પડે.

  ડાબી બાજુ પરનો પીળો પટ્ટો.  રસ્તાની ડાબી ધાર પર હાઇવે ઓથોરીટીઝ દ્વારા દોરવામાં આવેલ ૬ ઇન્ચના પીળા પટ્ટાથી આશરે પાંચ ફૂટનું અંતર રાખી નિયંત્રીત ગતિએ બુલેટ ચલાવતા ઉદયને મારે કોઇ સુચના આપવાની જરૂર જ ન જણાઇ.મસ્ત થંડી હવા અને ધકધકની રીધમે મારામાં રહેલા ગાયકને કોઇ મજજેદાર ગીત લલકારવા આહવાન આપી દીધું અને ..(બધા ગીતો અહિ લખવાનો કોઇ ઇરાદો નથી.સાંભળવા હોય તો રેડિયો અખિલ પર સાભળી લેજોને ભઇ!)

પહેલો પડાવ ડુંગરી,સોનવાડા,વાગલધરા,હોન્ડ,ચીખલી ફ્લાય ઓવર,આલીપોર,વસુંધરા ડેરી (હવે અમુલ),ખારેલ પાર કરી નવસારી ગ્રીડ (બાયપાસ)આવીને પહેલો વિરામ પંચાવન મીનીટે કર્યો.પૂર્ણા નદીને કિનારે પીર ગેબનબાબાની દરગાહ પર મોટાભાગના ટ્રકચાલકો ફૂલ કે ચાદર ચડાવીને આગળ વધતા હોય છે.વેસ્મા પાર કરીને પલસાણા ફ્લાયઓવર પર આવી પહોંચ્યા ત્યારે જે સૂર્યનારાયણ દેવનાના અદભૂત દર્શન નરી આંખે કરી શક્યા તે દિવસ દરમ્યાન કેટલા તપશેનો વિચાર સુધ્ધાં ન આવ્યો.

શેરડીના ખેતરો આ વિસ્તારના પાટીદાર પટેલો પોતાના ખેતરોમાં શેરડી અને કેળાનો પાક લેતા હોય છે.એકધારી ૫૦ કી.મી.ની ઝડપે ગતિ કરી રહેલા બુલેટનો પણ મેજર મેઇન્ટેનન્સ પછી હાઇવે પર દોડવાનો પહેલો અનુભવ હતો.ચલથાણ,કડોદરા,વાવ થઇને કામરેજ ચાર રસ્તા (‘ચોકડી’શબ્દ વધુ પ્રચલિત છે) સવારે ૭.૩૦ને સુમારે આવી પહોંચ્યા.ઇટ વોઝ ગુડ ટાઇમ ફોર ટી એન્ડ સ્નેક્સ.અમે બે ગરમાગરમ ચા નો ઓર્ડર આપીને પગ છૂટા કર્યા.

 ૧૫ મીનીટના આ બ્રેક બાદ અમારી સફરના પહેલા પડાવ બાદ બીજો તબક્કો શરૂ કર્યો.તાપી નદી પરના પુલ પર થયેલા ટ્રાફિક જામને કારણે ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી.કડોદરા અને કામરેજ ચોકડી પર ફ્લાયઓવર બાંધકામનું કામ ચાલુ હતું.બાંધકામમાં વપરાનારો સામાન અને સાધન અવરજવરના રસ્તા પર અવરોધ ઉભો કરી રહ્યા હતા.લોકો સરકારને ભાંડતા જાય,ધીમુ કામ કરવાની આદતવાળા લોકોની વિરૂધ્ધ ફરિયાદ કોઇકે કરવી જ જોઇએ એવું બારીમાંથી ડોકી બહાર કાઢીને બોલતા જાય,સાલ્લું આને લીધે જ દેશ પ્રગતિ નથી કરતોનું પ્રમાણપત્ર આપતા જાય,આગળ વધતા જાય અને ટ્રાફિક જામની બહાર આવીને હા….શ બોલીને પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી જાય.!!!

ધમધમતા ધસમસતા મોટા વાહનો ખાલીખમ રસ્તો ઝડપ વધારવા લલચાવતા હતા. ભાડોત્રી વાહનોમાં ભારતની ભરચક પ્રજાની સલામતી. 

હવે તડકો લાગવો શરૂ થયો.ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું અનુભવતા હતા.બાજુમાંથી વધુ ઝડપે દોડી જતાં નાના મોટા વાહનો ધૂળની નજરે જોઇ ન શકાય તેવી રજકણ ઉડાડયે જતાં હતાં.વિના તકલીફે કીમ ચોકડી સુધીની સફર પૂર્ણ કર્યાના સમાચાર તૃપ્તિને આપ્યા.થોડે જ આગળ ગયાને રબરના વેન્ટપાઇપમાં પંક્ચર પડયું. આને લીધે એન્જીનમાંથી બહાર નીકળતો ગરમ વાયુ ઉદયના ડાબા પગને દઝાડી રહ્યો હતો.

અમે ઊભા રહી ગયા.

ચિમનભાઇને ફોન લગાડયો.
જવાબ મળ્યો ‘પ્રતિક્ષા કરેં, આપ કતારમેં હૈ’..
બીજો પ્રયત્ન ..‘પ્રતિક્ષા કરેં, આપ કતારમેં હૈ’..
ત્રીજો પ્રયત્ન ..‘પ્રતિક્ષા કરેં, આપ કતારમેં હૈ’..
ચોથો પ્રયત્ન .. ‘વાહ, લાગી ગયો,રીંગ જાય છે.’ .. નો રીપ્લાય !! ..
પાંચમો પ્રયત્ન .. ‘ઇસ રૂટકી સભી લાઇને વ્યસ્ત હૈ, કૃપયા થોડી દેરકે બાદ ફોન મીલાયે’..
અમે પાણી પીધું.
મારા ફોનની રીંગ વાગી !
ચિમનભાઇનો ફોન આવ્યો.
ઉદયે સમસ્યા કહી. પછીની વાતમાં મને ‘.હેં.. હં.. તો? ઓકે .. ઠીક છે .. સારૂ.. આવજો’ આટલું જ સંભળાયું અને કશું ના સમજાયું !
કોક કોક વાર વાતમાં સમજ ના પડે તેનો પણ આનંદ આવતો હોય છે.
મેં પૂછયું,‘હવે ?’
તે બોલ્યો,‘નો પ્રોબલેમ,અંકલેશ્વર પહોંચીને વેન્ટપાઇપ નવો લઇ લેવાનો.’
મેં પૂછયું,‘ત્યાં સુધી તારા પગ પર વરાળ લાગશે ?’
તેનો જવાબ,‘બીજું શું થાય?’
મેં કહ્યું,‘લાવતો, મને જોવા દે જરા.’ જોઇને પૂછયું,‘આ પાઇપ રબરનો છે.કટરથી થોડો કાપીને રીફીટ કરી દઇએ તો ?’ તેનો જવાબ,‘કરવામાં કઇ વાંધો નથી’
અને અમે વિચાર અમલમાં મૂકી દીધો.
સવારે ૮.૪૫ના સુમારે અંકલેશ્વર આવી ગયા.
હાઇવે પરથી સ્ટેશન રોડ તરફ વળી ગયા અને વેન્ટપાઇપ ક્યાં મળશેની તપાસ કરી.જાણવા મળ્યું કે દુકાનો / બજાર ૯ પછી ખુલશે. હવે ?
નજીકમાં કોઇ સારી રેસ્ટોરન્ટ હોય તો થોડીસી પેટપૂજા હો જાય.નટરાજમાં મેં ખાધો સાદો ઢોસો અને ઉદયની પસંદ હતી મેદુવડા સંભાર પછી લીધી કેરાલીયન કોફી.બીલ ? રૂ. ૭૭.૦૦ ! આપણે પૈસા પ્રોડક્ટની કિંમત કરતાં વધારે સર્વિસ અને સગવડના ચૂકવવા પડતા હોય છે નહીં ?.

અમારા બીજા પડાવ પછીનો ત્રીજો તબક્કો શરૂ કરતાં પહેલા વેન્ટપાઈપને હેલો કરી લીધું.રેસ્ટોરન્ટની બહાર પાનના ગલ્લે પૂછયું,બુલેટના સ્પેરપાર્ટ ક્યાં મળશે ?
તે તો ઓલૌ બાજુ,ગામમાં જ મળશે.ચિમનભાઇને ફોન લગાવ્યો.વેન્ટપાઇપ પર કરેલા ઓપરેશનની વાત કરી.લંબાઇ એકદોઢ ઇન્ચ ઓછી થઇ છે કહેતાની સાથે જ તેમણે કહ્યું,નોપ્રોબલેમ.ઠેઠ સુધી ગાડી પૂગી જાહે.ચિંતા કરવાની કોઇ જરૂર નથી.ઉદયપુર પહોંચીને બદલાવી લેજો.અમારો જીવ ……… હેઠે બેસે જ ને !!  પણ મારો સ્વભાવ એવો ખરો કે, કશું ચલાવી નહિ લેવું. અંકલેશ્વર ખાતે રહેતા મારા એક મિત્રને ફોન કર્યો અને તે અમારે માટે વેન્ટપાઇપ લઇને આવી પહોંચ્યો. જે હવે ત્યાર પૂરતો અમારી પાસે સ્પેર બની રહ્યો.

ફરી પાછા ધકધક ધકધક .. નેશનલ હાઇવે નંબર આઠ પર થોડી વધેલી ગરમીમાં સફર શરૂ કરી દીધી.

થંડા થંડા કૂલ કૂલ ... પાની રે પાણી. આટલે આવતાં આવતાં ... મોજ પડી ગઇ.

 વધુ આવતા અંકે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

15 Responses to ઉદયપુર પ્રવાસ – ૧

 1. સુરેશ જાની કહે છે:

  મારો સ્વભાવ એવો ખરો કે, કશું ચલાવી નહિ લેવું.

  ગમ્યું .
  ————–
  મોટર સાઈકલ કેવી .. કહેવાય
  રેફરન્સ – લેક્સીકોન
  —————
  સરસ વર્ણન .. આ પ્રક્રીયા ચાલુ જ રાખો .

 2. chetan કહે છે:

  verry nice

 3. Capt. Narendra કહે છે:

  સરસ રીતે લખેલું પ્રવાસ વર્ણન વાંચીને મજા પડી ગઇ! મુખ્ય તો પિતા-પુત્ર વચ્ચે quality time ગાળવા માટે તમે કરેલો આ અભિગમ ઘણો ગમ્યો.

  સવારમાં મોટર સાઇકલની પાછળ પડેલા કુતરાંનું વર્ણન વાંચી જુનો પ્રસંગ યાદ આવી ગયો. અમદાવાદમાં અૉફિસે જવાનો રસ્તો અર્ધ-ગ્રામ્ય વિસ્તારમાં હતો. કોણ જાણે ક્યારે સ્કૂટરનું સાયલેન્સર તુટીને પડી ગયું અને ધીમા, ઠેકા જેવા અવાજને બદલે મશીનગનની ગોળીઓ ફૂટે તેવો અવાજ આવવા લાગ્યો. પરિણામ: સ્કૂટરની આગળ બકરીઓ દોડતી હતી અને પાછળ કુતરાંઓનું ટોળું ભસતું – દોડતું હતું!

  તમારા પ્રવાસ વર્ણને ઘણી યાદો તાજી કરાવી. ધન્યવાદ.

 4. માવજીભાઇ મુંબઇવાળા કહે છે:

  શ્રી અખિલભાઈ,

  ‘તમને ગમશે જ’ એ લખાણ વાંચ્યું અને ખરેખર ગમ્યું. તમને તમારા શુભ સંકલ્પો માટે તમામ શુભેચ્છાઓ. તમારા લખાણો વાંચીને મને શ્રી કાન્તિ ભટ્ટના લખાણો યાદ આવે છે. આજથી લગભગ સાડા ત્રણ દાયકા અગાઉ તેઓ પણ તમારી આજ જે લગની છે તે જ લગની સાથે કલમના ખોળે માથુ મુકી નોકરી છોડી મુક્ત પત્રકાર બન્યા હતા. તે વખતે તેમને જે કહ્યું હતું તે તમને પણ કહું છું – ’યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.

  – માવજીભાઈના પ્રણામ

 5. dhufari કહે છે:

  શ્રી અખિલભાઇ
  પહેલો પ્રયોગ સફળ રહ્યો.એક વાત કહું એમ નહીં માનતા કે તમને સારૂં લગાડવા લખું છું પણ તમારા વર્ણન વાંચવાથી સાથે ચાલતા હોઇએ એવું લાગ્યું.તમે જે રસ્તે પડતા સ્ટેશનના નામ આપ્યા એ હું ઘણી વખત કચ્છ જતો હોઉ ત્યારે મોબાઇલ પર ઉભરતા સ્ટેશનના નામો વાંચતા થતી લાગણી થઇ.પુણે થી ખંડાલા-લોનાવલા ઘણી વખત ગયા છીએ પણ કારમાં બાઇક પરનો અનુભવ નથી.હા બાઇક પર ૮-૧૦ કિ.મી.નો પ્રવાસ પુણેના એક છેડાથી બીજા છેડા સુધી ઘણી વાર કર્યો છે પણ એ અનુભવને આપના પ્રવાસ અનુભવ સાથે તો ન જ સરખવી શકાય.
  મને ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવતા નથી આવડતી નહીંતર ખંડાલાના માર્ગ પર પ્રવાસ કરવા જેવો છે.તેમાં પણ પહાડ પરનો તેનો સર્પાકર માર્ગ એટલે શું કહેવું?એક તરફ પહાડ અને બીજી તરફ ઊંડી ખાઇ.
  પ્રથમ પ્રયાસ બદલ અભિનંદન
  પહેલું સોપાન સર કર્યું તો હજી તો આગળ કેટલા સોપાન છે એ જોયા વગર બસ એક પછી ચઢતા જવાનું ચાલુ રાખો.
  અસ્તુ
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

ટિપ્પણીઓ બંધ છે.