ઉદયપુર પ્રવાસ – ૨

5600

થોડું યાદ કરી લઇએઃ

અમારા બીજા પડાવ પછીનો ત્રીજો તબક્કો શરૂ કરતાં પહેલા વેન્ટપાઈપને હેલો કરી લીધું. રેસ્ટોરન્ટની બહાર પાનના ગલ્લે પૂછયું, બુલેટના સ્પેરપાર્ટ ક્યાં મળશે ? તે તો ઓલૌ બાજુ, ગામમાં જ મળશે. ચિમનભાઇને ફોન લગાવ્યો. વેન્ટપાઇપ પર કરેલા ઓપરેશનની વાત કરી. લંબાઇ એકદોઢ ઇન્ચ ઓછી થઇ છે કહેતાની સાથે જ તેમણે કહ્યું, નોપ્રોબલેમ. ઠેઠ સુધી ગાડી પૂગી જાહે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. ઉદયપુર પહોંચીને બદલાવી લેજો. અમારો જીવ ……… હેઠે બેસે જ ને !!  પણ મારો સ્વભાવ એવો ખરો કે, કશું ચલાવી નહિ લેવું.  અંકલેશ્વર ખાતે રહેતા મારા એક મિત્રને ફોન કર્યો અને તે અમારે માટે વેન્ટપાઇપ લઇને આવી પહોંચ્યો.  જે હવે ત્યાર પૂરતો અમારી પાસે સ્પેર બની રહ્યો. ફરી પાછા ધકધક ધકધક .. નેશનલ હાઇવે નંબર આઠ પર થોડી વધેલી ગરમીમાં સફર શરૂ કરી દીધી.

ગતાંકથી આગળ …

અમે હવે નર્મદા નદી પરના સરદાર પૂલ પરથી પસાર થવાના હતા.ગુજરાત રાજયના મારી જાણમાં છે એ લગભગ બધા જ મહત્વના શહેરો કોઇ ને કોઇ નદીને કાંઠે વસ્યા છે. દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો વાપી – દમણગંગા, વલસાડ – ઔરંગા, બિલીમોરા – અંબિકા અને કાવેરી, નવસારી – પૂર્ણા, સુરત – તાપી, ભરૂચ – નર્મદા, વડોદરા – વિશ્વામિત્રી અને મહિસાગર અને અમદાવાદ – સાબરમતિ. મારા ભૂગોળના જ્ઞાનને ચકાસવાની અને નકશા તેમજ ગુગલ અર્થ પર દુનિયા જોતા રહેવાની આદત આજે મને કામ લાગી રહી હતી.

ચોક્કસ દિશા વત્તા નિર્ધારીત ગતિ એટલે આપણે જયાં જે સમયે જવું છે કે પછી પહોંચવું છે ના સંદર્ભે પ્રગતિ એવું સાદું ગણિત માંડીને ગરમ થઇ રહેલા વાતાવરણને માણી રહ્યા હતા. પરસેવો થવાને કોઇ અવકાશ નહતો. યાદ રાખીને દર ૧૦–૨૦ મીનીટે પાણીના બબ્બે ઘુંટડા પીતા રહેવાનું કામ ચાલુ ગાડી પર જ કરતાં. આકાશ સામે મોં ખુલ્લુ રાખીને પેટ બોટલમાંથી ગળે ઉતરતું પાણી હાથની અસ્થિરતાને કારણે જરાતરા ચહેરા પર પણ ઢોળાઇને ક્ષણિક થંડક આપીને વરાળ થઇ જતું.

મને જીવન જીવવાનો મંત્ર મળી રહ્યો હતો. વિશ્વ આખામાં ક્યાંય પણ જઇએ,પાણી હંમેશા પાણી જ રહે.

water, पानी, जल, नीर તરીકે ઓળખાતું પાણી દેશી કે વિદેશની અન્ય ભાષામાં શું કહેવાતું હશેની જાણકારી મારી પાસે નથી.

શિતળતા આપવા સર્જાયેલું અને તરસ છીપાવવા માટેનું શ્રેષ્ઠ પ્રવાહી એટલે પાણી.

પાણી એટલે પાણી!

પંજાબી, કશ્મીરી, બિહારી, મારવાડી, ગુજરાતી, મરાઠી, બંગાળી, તામીળ, શીખ, ઇસાઇ, મુસ્લીમ, જૈન, હિન્દુ, પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય, શુદ્ર, ભારતિય, પાકિસ્તાની, બાંગ્લાદેશી, ફ્રેન્ચ, જર્મન, યુરોપિયન, અમેરીકન, આફ્રીકન તરીકે ઓળખાતો માણસ પણ છે તો માણસ જ ને ?

માણસ થઇને આપણે કોને કેટલી શિતળતા આપીએ છીએ ?

જેમ જેમ સરદાર પૂલ નજીક આવતો ગયો … સોરી, જેમ જેમ અમે સરદાર પૂલની નજીક પહોંચતા ગયા તેમ તેમ નર્મદા નદી – જેનું મને વર્ષોથી આકર્ષણ છે તેના દર્શન કરીને ધન્યતા અનુભવી.

મહેશ્વરી ગંગા તરીકે પણ ઓળખાતી નર્મદાને ખોંળે બે વરસ પહેલા નર્મદા જયંતિ નિમીત્તે મેં નાવડીમાં ૪ કલાકનો સત્સંગ ભારતભરમાંથી સવાસો જેટલા સંતો સાથે કર્યો હતો તે પ્રસિગ યાદ આવી ગયો. તે પ્રસંગે મેં બનાવેલ મારી આક શોર્ટફિલ્મ મારી સાઇટ પર તમને જોવા મળશે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે,  હરિદ્વારમાં ગંગાજી સ્નાન કરવું કે અમરકંટકથી રેવાસંગમ સુધી વહેતી નર્મદાના દર્શન માત્ર કરવા; બંનેનું મહત્વ સમાન છે.

નેશનલ હાઇવે ઓથોરીટીઝ પર સરદાર પૂલની દેખરેખ કરવાની જવાબદારી છે. મુંબઇ – દિલ્હિને જોડતા નેશનલ હાઇવે નંબર આઠ પર ટ્રાફિકનું ભારણ બહુ જ વધી ગયું છે. વિકાસ અને વૃધ્ધીનું સંતુલન જણાતું નથી. કોઇ એક નિશ્ચિત વ્યવસ્થા ઉભી કરવાના આયોજન અને અમલીકરણમાં જેટલો સમય જાય છે તેટલા જ સમયમાં થઇ જતી વૃધ્ધિને કારણે થયેલા વિકાસની ઉપયોગીતા ઘટી જતી અનુભવાય. આ પૂલ પર અમે પોરો ખાવા રોકાયા. નર્મદામૈયા પણ પોતાના નિર્મળ નીરને સ્પર્શીને વહી જતા વાયરા સાથે અમને આશિર્વાદ મોકલી રહી. થોડી કાળી દ્રાક્ષ મોંમાં મૂકી અને હળવી કસરત કરી તાજા થઇ ફરી પાછા બુલેટ પર ગતિશીલ બન્યા.

સવારના ૧૦.૩૦ થયા હતા એમ નક્કિ કર્યું કે હવે વડોદરા ગોલ્ડન ચોકડી સુધી નોનસ્ટોપ હંકારી જવું. ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી આગળ વધ્યા. ડાબી બાજુ પરથી સ્વામીનારાયણનું મંદિર પસાર થયું. વાતાવરણની ગરમી હવે વધવા લાગી હતી. મારી ચિંતા હતી કે,ઉદય સામી છાતીએ આ ગરમ પવનનો સામનો કરતો હતો .. અને વિકલ્પ મળી ગયો. બુલેટ સાઇડ પર લઇ પાર્ક કર્યુ. મારી રકસક બેગમાંથી અખબારનું એક પાનું કાઢયું અને ઉદયની કફનીની નીચે ગળાથી પેટ સુધી પહેરાવી દીધું. આ ઉપાય છાતી પર આવતા તીવ્ર ગરમ કે થંડા પવનને રોકવા માટે ખૂબજ સાદો,સરળ અને સહેલો છે. ફરી પાછા ધકધક ધકધક ..

મારું મન વિચારે ચડયું, ભલભલાની તબિયત હલાવી નાખે તેવા આ પ્રકારના પવનહુમલા સામે રક્ષણ આપનાર અખબારનો કાગળ ક્યાં જાડો હતો ?

પાતળો અમથો કાગળ પણ અત્યારે તો પવન અને ઉદયના શરીર વચ્ચે મજબૂત ચટ્ટાન બનીને કાર્યશીલ હતો.

વ્યક્તિનું પણ જાડા કે પાતળા હોવા કરતાં પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિકાર કરવાની આવડતની કેળવણી કેવી રીતે કરી શકાય તે પ્રેરણા મળી રહી હતી.  હવે કરજણ ચોકડીથી અમે ફક્ત ૯ કિમી દૂર હતાં. ગળુ સુકાઇ જવાની ફ્રીક્વન્સી પણ વધવા લાગી. આમળા મમળાવવા માટે જ સાથે રાખ્યાં હતા.

ઉદય મોજથી ડ્રાઇવ કરી રહ્યો હતો. અમે બંને વાતો પણ કર્યે જતા હતા.જેવા આવડે તેવા ગીતો પણ ગાયે જતાં હતા. અમને ઓવરટેક કરીને આગળ વધી જતાં વાહનોની બારીમાંથી અમારા તરફ જોતાં ચહેરાઓનું મેં હાથ હલાવીને અભિવાદન કરવું શરૂ કર્યું. મને તો મઝા પડવા લાગી. મારા પહેરવેશને કારણે તે વ્યક્તિઓ નક્કી નહોતા કરી શકતા કે તેમના તરફ હાથ હલાવનાર કોણ છે ? તમે તો સમજી ગયાને ??

કદાચ પ્રત્યેક વ્યક્તિમાં એક સરખી જીજ્ઞાસા કેમ હોતી નથી તે હવે સમજાયું.

૧૧.૪૫ કલાકે વડોદરા બાય પાસ પહોંચી ગયા. અહિ સુધીનો રસ્તો તો મારો જોયેલો રસ્તો હતો. હવે ગોલ્ડન ચોકડી સુધીનો સાંભળેલો રસ્તો હતો. પૂછતા પૂછતાં પોરબંદરેય જવાય અને પાસપોર્ટ હોય તો પેરીસેય જવાય. અમારી ગતિ ૪૫થી ૫૦ કિમી પ્રતિ કલાકની હતી. એક પછી એક એમ અમારે ૬ ફ્લાયઓવર પસાર કરવાના હતા. આ બાયપાસ વડોદરા શહેરના વતૃળના દક્ષિણ બીન્દુ અને ઉત્તર બીન્દુને જોડતો પૂર્વ બીન્દુમાંથી પસાર થતો ચાપ કહેવાય. દરેક ફ્લાયઓવર પરથી પસાર થતી વખતે ડાબી બાજુએ વસેલું વડોદરા શહેર કેટલું વિશાળ છે તેનો ખ્યાલ આવતો હતો. હરણી એરબેઝ પહેલી વાર મેં આવી રીતે જોયું. ૧૯૮૧/૨ માં હું જીએસએફસીમાં કામ કરતો હતો ત્યારે વિચાર્યું પણ નહોતું કે, વડોદરાનો વિકાસ આવો અને આટલો થશે. ભર બપોરે નેશનલ હાઇવે નંબર આઠ પર બંન્ને કાંટા બરાબર બાર પર ભેગા થવાની તૈયારી કરતાં હતા ત્યારે અમે ગોલ્ડન ચોકડી ફ્લાય ઓવરની નીચેથી જમણી બાજુએ સ્ટેટ હાઇવે પર ફંટાયા. ગોલ્ડન ટોબેકોનું એક કારખાનું નજીકમાં હોવાથી આ ચાર રસ્તાને ગોલ્ડન ચોકડી નામ પાડવામાં આવ્યું છે. વડોદરા–નડિયાદ–અમદાવાદ જેવો જ સુપર એક્ષપ્રેસવે હાલોલ સુધી અમે માણવાના હતા.

સફર આગળ ધપાવીએ તે પહેલા એક હોલ્ટ લેવો જરૂરી હતો. મને ખબર હતી કે આ રસ્તે હાલોલ સુધી ક્યાંય કોઇ જાતની સુવિધાઓ મળવાની નથી. બપોર થઇ હતી એટલે ભારે / મોટા વાહનોનો ટ્રાફિક ઘણો ઓછો થઇ ગયો હતો. સ્કુટર અને મોટરસાયકલીસ્ટો ત્રણ સવારીએ જતાં પણ જોવા મળ્યા. ગુજરાત રાજય પરિવહન નિગમની ખખડધજ થઇ ગયેલી બસ ધુમાડાના ગોટા ઉડાડતી જતી જોઇ તો પાણીના રેલાની જેમ દોડી જતી એજ ગુજરાત રાજય પરિવહન નિગમની લક્ઝરી બસ પણ જોવામાં આવી. આપણા રાજયમાં મને લાગે છે કે ભાગ્યેજ કોઇ એવા બે શહેર હશે જે ડાયરેક્ટ બસના રૂટ દ્વારા જોડાયેલા ન હોય.

હવે અમે વલસાડ (તૃપ્તિનું સાસરું), નવસારી, સુરત, નર્મદા, ભરૂચ જીલ્લામાંથી પસાર થઇને હવે વડોદરા જીલ્લાની હદ પાર કરીને ગોધરા (તૃપ્તિનુ પિયર) જીલ્લામાં પ્રવેશ કર્યો. બપોરે ૧ વાગ્યે અમે હાલોલ આવી પહોંચ્યા.

અમે હાલોલ બાયપાસ પર થઇને હાઇવે પરના ધાબા પર રોકાયા. ચીલ્ડ લેમોનેડ લીધા. થંડા પાણીથી હાથ અને મોં ધોયા. નેપકીન ભીના કરીને મોં પર અને આંખ પર સ્પંજ કરતા રહ્યા. એમ કરવાથી તાજગી મળી રહી હતી. લાંબા અંતરેથી આવતી ટ્રકના ડ્રાઇવરો અને તેમના સહાયકો સૂતળી દોરી બાંધેલા પલંગ પર પાથરેલા પાટિયા પર પીરસેલી થાળીમાંથી ભોજન કરી રહ્યા હતા. જેમણે ભોજન કરી લીધું હતું તેવા સહાયકો છાપાના કાગળથી પોતપોતાની ટ્રકના આગળના ભાગે આવેલા કાચ પર પાણી છાંટીને લૂછતા હતા. આ હતો છાપાના કાગળનો બીજો ઉપયોગ!

બે ત્રણ ફૂટ લાંબી લાકડી ટાયર પર ફટકારીને સંભળાતા અવાજને આધારે તે નક્કી કરી લેતો કે ટાયરમાં હવા બરાબર છે કે નહિ. મેલા કપડા પહેરેલા આવો ઉદ્યમ કરીને રોજીરોટી કમાનાર પંજાબી ડ્રાઇવરો બબ્બે ચચ્ચાર મહિનાથી માંડીને આઠ દસ મહિના સુધી ઘર–સ્વજનોથી દૂર રહેતા હોય છે. સાચા અર્થમાં સબ ઘાટકા પાની પીનેકી તકદીર વાલે લોગ. માલ સામાન અને જીવની જવાબદારી સાથે સ્ટીયરીંગ પર બેઠા પછી કેટલાક બેફામ હંકારતા હોય તો કેટલાક સંપૂર્ણ શિસ્તબ્દ્ધ રીતે પોતાના વાહનને પ્રેમીની જેમ પ્રેમ કરતાં કરતાં હંકારતા હોય. તેમને ખબર હોય કે ક્યાં ટોલનાકુ આવશે, કેટલા આપવાના, કેટલા ખવરાવવાના, કયાં ગાળ સાંભળવાની, ક્યાં ગાળ દેવાની અને રાત્રી રોકાણ કરવું, કઇ નહેર પર રોકાઇને સ્નાન કરવું અને વાહન ધોવુ ! સંગીતના શોખીન ડ્રાઇવરો માટે સસ્તા ભાવની પાયરેટેડ સીડી કે કેસેટ સફરમાં ઉત્તમ સાથી બની રહે છે. તેમની પસંદગી બીડી જલાઇલે થી માંડીને કામિયાબ હોંગે હમ સુધીની હોય છે જાણીને તો હુ દંગ જ રહી ગયો.

અમે હાલોલના આ ધાબેથી ગોધરા જવા નીકળ્યા ત્યારે આપોઆપ સમજાઇ ગયું કે,જીવન ચલને કા નામ,ચલતે રહો સુબહ શામ.

કાલોલ, ડેરોલ, બેઠીયા જેવા ગામ રસ્તે આવ્યા અને અમે આવી પહોંચ્યા વેજલપુર. સાતમી ડીસેમ્બર,૧૯૮૪એ તૃપ્તિએ મારા જે બાળકને આ ગામના મંદિર ફળીયામાં જન્મ આપ્યો હતો તે આજે એના પિતાને બુલેટ પર બેસાડીને ઉદયપુર લઇ જઇ રહેલો પચીસ વરસનો યુવાન બની ગયો છે. બે ઘડી ઉભા રહેવાની ઇચ્છા રોકી શકાય તેમ હતી જ નહિ. લખોટીવાળી સોડાબોટલમાં મસાલો ઉમેરીને ‘લેમન’પીવાનો પ્રસંગ મને ભૂતકાળ સાથે જોડી રહ્યો. સંસ્મરણ તાજા થઇ આવ્યા. ત્યારના બાળકો આજે યુવાન બની ગયા હતાં. સૌ શહેર તરફ, ખાસ કરીને ‘બરોડા સેટ થવા’ ગામ છોડી ગયા. વડિલો મહાપ્રયાણ કરી ગયા. ગામ જાણીતું હોવા છતાં અપરિચત લાગતું હતું. મારા સાસુજી અને પરિવાર પણ વર્ષોથી ગોધરા સ્થળાંતર કરી ગયા હોવાથી વેજલપુર ગામમાં લટાર મારીને તરત જ ગોધરાને રસ્તે ધકધક ધકધક …

વધુ આવતા અંકે. ( આ સેગમેન્ટના ફોટા ઉદયના કેમેરામાં પાડયા હતા.. પાછળથી ઉમેરી દઇશ.)

.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા, માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

6 Responses to ઉદયપુર પ્રવાસ – ૨

  1. Pancham Shukla કહે છે:

    અખિલભાઈ આ આધુનિક ઢબથી અને સહ્જ રીતે પ્રગટી રહેલી પ્રવાસ શ્રેણી રોચક બની રહી છે. મઝાથી માણી. આગળના હપ્તાની ઈંતેજારી રહેશે.

    મેં અમૃતલાલ વેગડની – પરિક્ર્મા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા વાંચી છે.
    આપે પણ વાંચી હશે એવું અનુમાન કરું છું. ભાણદેવનો હિમાલય પ્રવાસ પણ વાંચવાની મઝા પડે એવો છે.

ટિપ્પણીઓ બંધ છે.