૨૬.૦૫.૨૦૦૯

5969

આજનો વિચાર

સાચું બોલવું એટલે શું ?  હું કદીક કદીક ખોટું પણ બોલું છું એમ કહેવું તે.

આજનો પ્રયત્ન

ક્યારે, ક્યાં, કોણે, કેમ અને શું કરવું જોઇએ કરતાં ત્યારે, ત્યાં, મારાથી શું થઇ શકે તેમ છે ને વધુ મહત્વ આપવું.

આજની વાત

વર્ડપ્રેસ અને બ્લોગ્સ પર ઘણા બધા ગુજરાતી બ્લોગરોએ ઘણું બધું પ્રસિધ્ધ કર્યું છે. કોઇકના પોતાના મૌલિક સર્જન છે તો કોઇકે પોતાને ગમતું શોધીને સૌને પીરસ્યું છે, કોઇકે અસલની નકલ કરી છે તો વળી કોઇકે ઉઠાંતરી કરી છે એવુંય જાણવા મળે છે. મને ખરાખરી કરતાં આવડતું નથી. જાતજાતના અને ભાતભાતના વિષયો પર લાંબાલચકથી માંડીને ટૂંકા ને ટચ લેખોના રોજ ઢગલા થાય છે. વાર્તા,નિબંધ,પ્રવાસવર્ણન,ચિંતનીકા,કવિતા,શેર,શાયરી,જોક્સ,કટાક્ષ,અનુભવ,અંગત ડાયરી,આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો,ફિલ્મ અને મનોરંજનને સંબંધિત વિષયો,અન્ય ભાષામાંથી અનુવાદ પામેલા લેખો,સુવાક્યો,ભક્તિગીતો અને ભજનો,લોકગીતો અને લોકસંગીત અધધધધ શું વાંચવું ને શું છોડી દેવું એ નક્કી કરવું એટલે ભેજાફ્રાય! મૂળ લેખના વિચારો સાથે સંમત અને અસંમત થનારા વાચકોના પ્રતિભાવ પ્રત્યે અહિ સૌને અહોભાવ છે. પ્રસંશા અને પ્રશસ્તિ હોય કે પછી ટીકા અને ટકોર. કયારેક જે જાહેરમાં ન થવું જોઇએ તે જાહેરમાં થઇ જાય અને જે ખરેખર જાહેર થવું જોઇએ તે ઉજાગર જ ન થાય. પણ એટલું તો ખરૂ જ કે અધધધ થઇ જાય તેટલુ ‘ગુજરાતી’માં ‘ગુજરાતી’ઓ માટે ‘બીન’ગુજરાતીઓ સહિતના ગુજરાતીઓંએ વાંચન પીરસ્યું છે. તમને જે માફક આવતું હોય તે તમારે શોધી લેવાનું. શોધવામાં તકલીફ પડે તો ય તમારી અને આનંદ થાય તોય તમારો.સર્ફીંગના એમબી વપરાય કે બેન્ડવીડથ ઓછી પડે તો એ પ્રોબલેમ પણ તમારો.

એમ જ સમજોને કે દરિયામાંથી તમને ગમતાં મોતી તમારે જાતે જ શોધી કાઢવાના.

છેલ્લા બે વરસ દરમ્યાન મેં ક્યાંય કોઇ બ્લોગ પર ૫–૧૦ કોમેન્ટસથી વધારે કોમેન્ટ મુક્યાનું – લખ્યાનું યાદ નથી. મારું તદ્દન અંગત પણે માનવું છે કે લેખક અને વાચક સીક્કાની બે બાજૂ તો ખરા પણ એકબીજાની સામસામે. તેમની વચ્ચે બંધાયેલ સંબંધ જ લખાણનું સરવૈયું કહેવાય. લેખકનું કામ સમજીને લખવાનું. વાચકનું કામ વાંચીને સમજવાનું. એક્ટીવ વાચકને વાંચન ગમે તો વખાણે, ન ગમે તો ટીકા કરે અને પેસિવ વાચકને લખાણ ગમે કે ન ગમે તે મૌન રહેવાનું જ પસંદ કરતો જણાયો છે. વાચકે કરેલા વખાણમાં કે ટીકામાં સચ્ચાઇ કેટલી છે તે જાણવાની આવડત લેખકે કેળવવી જ રહી.

વાત છે સમજદારીની. મારા અન્યોની સરખામણીએ અત્યંત ઓછા અનુભવે મને સમજાયું છે કે કદી ક્યારેય કોઇ પણ વ્યક્તિ કોઇનેય કશું સમજાવી ન શકે. ‘સમજ’ ને કદાચ ઉંમર કરતાં વધારે માતાપિતાએ સીંચેલા સંસ્કાર સાથે સીધો સંબંધ હશે. એટલે જ સમજવા ઇચ્છનાર કે સમજવાની તૈયારી રાખનાર જરૂર સમજી જાય છે કે સાચું શું ?

બધાની વચ્ચે રહીને પણ કોઇના નહિ થવું અને કોઇના નહિ હોવા છતાં સૌના થઇને જીવવું એ કેવુ ?
 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to ૨૬.૦૫.૨૦૦૯

  1. સુરેશ જાની કહે છે:

    સરસ વીચાર , મુક્ત મનનું પ્રતીબીંબ …

ટિપ્પણીઓ બંધ છે.