6195
આજનો વિચાર
જેને ખબર છે કે તેને શું ખબર નથી તે જીવનમાં પ્રગતિ આસાનીથી કરે છે.
આજનો પ્રયત્ન
આજે વેલ્યુ એજીયુકેશન જેવા વિષય પર પ્રકાશિત થયેલા પુસ્તકોની યાદી તૈયાર કરવી છે.
આજની વાત
સ્થાનિક બસ સ્ટેશને પૂછપરછના કાઉન્ટર પર ફરજ બજાવતા કર્મચારીને કોક રીતે મદદરૂપ થવાનો વિચાર હતો. યુકેથી આવેલા અશોકભાઇ પટેલને મારી સાથે સાંજે બસ સ્ટેશન લઇ ગયો હતો.
રીસેશનને કારણે વિદેશમાં જેમણે નોકરી ગુમાવી છે તેવા લોકોની પરસ્થિતી અંગે વાતો થઇ રહી હતી. તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે એવું કહેતી વખતે તેમને જેટલો સંકોચ થતો હતો તેટલી જ તેમના શબ્દોમાં સચ્ચાઇ હતી. ભારતની પરિસ્થિતિ સાથે સરખામણી થાય એ સ્વાભાવિક જ છે. ભારતથી બ્રેઇન ડ્રેઇન થઇ રહ્યાનું દુઃખ તેમણે વ્યક્ત કર્યું. ત્રણ સ્પ્તાહ દરમ્યાન તેમણે જે સામાજિક પ્રસંગોમાં હાજરી આપી તેમાં પશ્ચિમના દુષણોની ‘હવા’ અહિના યુવાનોને લાગી હોવાનું તેમણે અનુભવ્યું. ‘પરદેશ’ કે ‘વિદેશ’ની ભૌતિકતા હવે ડોલર કે પાઉન્ડને બદલે રૂપિયામાં પણ ખરીદી શકાય છે તેનો આનંદ છે પણ તેમાં જીવનના મૂળ મૂલ્યોથી વ્યક્તિ ઘણો દૂર ધકેલાઇ ગયો છે એવું જયારે તે બોલ્યા ત્યારે મેં સવાલ કર્યો કે એવું તેમને કેમ લાગે છે ?
તે બોલ્યા, જયાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય અને અસત્યને જ સત્ય તરીકે સ્વિકારી લેવામાં આવતું હોય ત્યાં બીજી શી આશા રખાય ?
તેમના નિરાશાવાદ અને મારા આશાવાદ વચ્ચે માત્ર મૌન હતું. પૂછપરછના કાઉન્ટર પર આજે ફરજ બજાવી રહેલા ઉત્તમભાઇનું મે સ્મિત આપીને અભિવાદન કર્યું અને પૂછયું કેમ છો ? મારે લાયક કોઇ કામ ? ખાના પાડવાના છે ( વલસાડ બસ ડેપોમાં આવતી જતી બસની વિગત નોંધવાના નવા નક્કોર રજીસ્ટરમાં ) તેમણે જવાબ આપ્યો. મેં અશોકભાઇનો પરિચય આપ્યો. ઉત્તમભાઇએ અમને આવકારીને બેઠક બતાવી. મેં ૧૨ ઇન્ચની ફૂટપટ્ટી લીધી, બોલપેન લીધી અને ખાના પાડવા શરૂ કર્યા. ઉત્તમભાઇએ બે અડધી ચાનો ઓર્ડર આપ્યો. બારી પર આવેલા મુસાફરે પૂછેલા સવાલનો જવાબ સ્મિત સાથે આપી રહ્યા હતા. અને પછી એનાન્સમેન્ટ કર્યું કે, વલસાડ–અમદાવાદ લકઝરી પ્લેટફોર્મ નંબર …. મરોલી લોકલ પ્લેટફોર્મ નંબર …. વાપી–અંબાજી પ્લેટફોર્મ નંબર … વચ્ચે વચ્ચે અમારી સામે જોતા જાય અને …. બોલ્યા, અખિલભાઇ તમે આવો છો તો મોજ પડે છે હોં ! આ સાહેબને આપણું તંત્ર કદાચ માફક નાયે આવતું હોય કેમ ?
અશોકભાઇ બોલ્યા, સાચું કામ કરવાની ટેવ પાડવી હોય તો પાડી જ શકાય, કોઇ રોકતું નથી પણ લોકોને ખોટી ટેવ કેમ તરત જ પડી જાય છે ?
બે ગરમાગરમ અડધી ચા આપવા આવેલ છોકરો બોલ્યો, સાહેબ, પેટ કો દી ખોટું નો કરાવે, ઇ તો દિમાગમાં જ હાપોલિયા હળવળે ઇટલે ઇવું થાઇ.
હવે અમે ત્રણેય ––––––––– થઇ ગયા. ( આ ખાલી જગ્યા તમારી દ્રષ્ટીએ યોગ્ય હોય તેવા કોઇ એક જ શબ્દથી પૂરો. )
“સ્તબ્ધ”