6338
આજનો વિચાર
જયારે વ્યક્તિ અન્યાય સામે લડવા ઊભો થઇ ન શકે ત્યારે તેનો આત્મા મૃત્યુ પામે છે.
આજનો પ્રયત્ન
આજથી અમર્યાદિત ઇન્ટરનેટનો મર્યાદિત ઉપયોગ કરીશ. રોજના ફક્ત ૪ કલાક. સવારે બે અને રાત્રે બે.
આજની વાત
યુવાન યુગલ મને મળવા આવ્યું. છોકરો ૨૭નો ઓછું ભણેલો અને છોકરી ૨૫ની પોસ્ટ ગ્રેજયુએટ. સાત–આઠ મહિના પર જ લગ્ન થયા છે. બંને એક સાથે એક જ કંપનીમાં નોકરી કરે છે. ઘરેથી કામ પર આવવા જવાનો સમય પણ લગભગ એક જ. છોકરાને કદીક મોડું થાય. બંનેના પગારનો સરવાળો પાંચ અંક. છોકરો મને જાણે અને કદાચ એવા વિશ્વાસે જ મારી પાસે આવ્યા હતા કે ….
મને કહે, અંકલ, નથી ફાવતું.
મેં પૂછયું, કેમ ?
છોરી કહે કે, એ નાની નાની વાતમાં ખીજાય છે. મને ચીડવે છે. નોકરી કરવાની ના પાડે છે. અબોલા કરી લે છે. બે ત્રણ દિવસ સુધી બોલતો જ નથી. મનેય પછી ગુસ્સો આવે એટલે હું ય .. ના જ બોલું.
છોરો કહે કે, કામમાં બહુ ભલી વાર નથી. ઘરકામમાં સાવ ઢીલી પડે છે. મારી વાત જ સાંભળતી નથી. થાકીને લોથપોથ થઇ જાય અને બહુજ જીદ્દી છે.
મેં પૂછયું, લગ્ન શા માટે કર્યા ?
તો બંને કહે, સાથે રહેવા.
મેં પૂછયું, રહેવા કે જીવવા ?
બંને એકમેકની સામે જોવા લાગ્યા. મારી સામે જોયું. વિચારી રહ્યા હતા. પછી બોલ્યા, સાથે જીવવા.
મારો સવાલ લંબાવ્યો અને ઉમેર્યું, આનંદથી કે કકળાટ કરીને ?
ફટ દઇને બંને બોલી પડયા, આનંદથી જીવવાસ્તો વળી.
ફરી મે મારો સવાલ વધારે લંબાવ્યો, કોના આનંદ માટે ? તારા કે તારા ? ( વારાફરતી બંને તરફ જોયું )
મને મેં ધારેલો તે જ જવાબ મળ્યો. અંકલ, બંનેના.
મેં પૂછયું …. તમારા બંનેનો આનંદ તમારા બંનેના જીવનમાં કોણ લાવી શકશે ? જો આનંદ નહિ લાવો તો શું આવી જશે ?
સર, સમજી ગયો. અંકલ, હું પણ સમજી ગઇ.
મેં કહ્યું, હું પણ સમજી ગયો…… જાવ મોજ કરો.