ઝાડના થડ પર … ગમ્યુ.

૦૬.૦૨.૨૦૧૦ / ઝાડના થડ પર … ગમ્યુ.

આજે બપોરે ઉદયપૂરના મારે માટે તદ્દન અજાણ્યા એવા વિસ્તારમાં શનિવારની સાપ્તાહિક ગુજરી(હાટ)માં પગપાળા રખડવાનો આનંદ લઇ રહ્યો હતો.

પરંપરાગત રંગબરંગી પાઘડી–સાફા પહેરેલા પુરુષો અને ગળા સુધીનો ઘુંઘટ ઓઢેલી મહિલાઓ.

પોતપોતાને ગામડેથી વેચવા સારુ લાવેલ ચીજવસ્તુઓ રસ્તા પર ગોઠવેલી દુકાનો.

ગલીગૂંચીઓ સરખી જેવી જ લાગે. એકમાંથી બીજી અને પછી ત્રીજી અને પછી ચોથી ….. અક્કરચક્કર ફરીને ફરી પાછો ત્યાંનો ત્યાં જ કેવી રીતે આવી જતો તે સમજ જ ન પડી. .. કદાચ દુનિયા ગોળ છે.

સૂર્યના તડકે પડછાયાની દિશાએ પણ દિશાબભ્રમનો આ અનુભવ નવો જ હતો. જીએસએમ ડીવાઇસ વગર તો એવું જ ને ?

ચા પીવા ઝાડ નીચે ચાલી રહેલી એક રેકડી પર ગયો. ઝાડના થડને કેન્દ્રમાં રાખીને બેસવા લાયક ગોળ ઓટલા પર આજુબાજુ નજર ફેરવતો બેઠો ને મારી નજર પડી ….

દોઢ બાય અઢી ફૂટના ફ્લેક્ષ બેનર પર સુવાચ્ય અક્ષરોમાં નગરપાલિકા, ચક્ષુદાન, રક્તદાન, સાપ પકડનારી સંસ્થા, હોસ્પિટલો, અગ્નિશમન, શબવાહિની, પોલિસ સ્ટેશન અને ૨૪ કલાક ચાલતી દવાની દુકાનોના ટેલિફોન નંબર લખેલા હતા.

ચા પીને ઘર તરફ પાછા ફરતાં મેં જોયું કે લગભગ દરેક ત્રીભેટે આવેલા વૃક્ષોના થડ પર આ બેનર લાગેલા હતાં.

મને ગમ્યું. આપણે ત્યાં પણ અમલમાં મૂકવા જેવું, નહિ ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.