નવજીવન માટે નવ પગથીયાં

૧. આપણા જ નહિ પરંતુ અજાણ્યા હોય તેવા વડિલોની આપણને ન ગમતી આદતોને પણ માન આપવું. સુધારો આપણામાં જ થાય. તેમની બહુત ગઇ થોડી રહી, એટલે આપણી બહુતને બગાડવાનો શો અર્થ ?

૨. આપણાથી નાનેરાઓને ઊપરની વાત શીખવવી. આપણા આચરણનું અનુકરણ બહુ જ સહેલાઇથી કરી શકતાં હોય છે એટલે જો હશે તો દંભ છતો થઇ જશે અને નહિ હોય તો કામ થઇ જશે.

૩. આપણને અનુકૂળ ન આવતા હોય તેવા વ્યક્તિઓ સાથે પણ જેટલો સાથ નિભાવવાનો આવે તેટલો આનંદથી કોઇ પણ જાતના અવરોધ વગર સ્વીકારી જ લેવામાં મોજ છે. મનગમતી વૈકલ્પિક પરિસ્થિતીના નિર્માણની તૈયારી કરતા રહેવાનું.

૪. મોટા થઇ ગયેલા શરીરની અંદર રહેલા બાળકને જે રમત રમવાનું મન થાય તે મુક્ત પણે રમો. દા.ત: લખોટી, લંગડી, સાતઠીકરી, નારગોળીયો, હાથસાંકળી, આંધળોપાટો ….. કે રેતીના ઢગલામાં !!!

૫. દિવસમાં ચાર વખત મનગમતું ખાવાનું ખાઓ …. અકરાંતિયાની જેમ નહિ, થોડું થોડું .. સ્વાદની મજા આવે એટલુ ધીરેથી … પલાઠી મારી નીચે બેસીને … યાદ રાખો, જીવવા માટે જે ખાઓ છો તેની મજા લેવી પણ જરૂરી છે.

૬. આરામ કરો. લા……..મ્બી તાણીને ઘસઘસાટ નીંદરવાની અને નસકોરવાની તો વાત જ નહિ કરતા. બસ, હળવેથી પોપચા ઢાળીને શરીરના અવયવ ઢીલા મૂકી દો અને જ્ઞાનતંતુઓને મોકળાશ અનુભવડાવો.

૭. માન્યતા કરતાં વધારે તમારી લાગણી લોકો સાથે વહેંચો. દિમાગની વાતો પણ દિલથી કરી જ શકાય.

૮. લાગણીઓને વાચા આપો. લાગણીઓને કહેતા ના આવડતું હોય તો તમારી આંખ અને તમારા સ્પર્ષને મોકળા કરો.

૯. આ ધરતી પર ક્યાંક એક એવું પદચિન્હ છોડી જજો કે ત્યાં બેસનારને તમે હો કે ન હો છતાં તમારા અસ્તિત્વનો અહેસાસ થાય.

જાત અનુભવે ..

અખિલ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.