સ્વર્ણિમ ગુજરાત

તા. ૦૧.૦૫.૨૦૧૦

આજે ગુજરાત રાજયના ૫૦મા સ્થાપના દિનની ઉજવણી થઇ રહી છે.

છેલ્લા સાતેક દિવસથી શહેરની તમામ સરકારી કચેરીઓ જેમકે, જીલ્લા સેવાસદન, જીલ્લા પોલિસ અધિક્ષકની કચેરી, શહેર પોલિસ સ્ટેશન, જીલ્લા પંચાયત, ન્યાયાલય, મામલતદાર કચેરી, વિશ્રામગૃહ, જીલ્લા વિકાસ અધિકારી નિવાસ સ્થાન, જીલ્લા કલેકટર નિવાસ સ્થાન, નગરપાલિકા કચેરી તેમજ વર્ગ ૧, ૨, ૩ અને ૪ ના કર્મચારીઓના આવાસોના રંગરોગાન થયા બાદ તેમને આસોપાલવના તેમજ વિજળીના તોરણોથી શણગારવામાં આવ્યા છે.

રાજયભરમાં તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ પ્રજા માટે આ પર્વને ઉજવવાનો સરકારનો સંકલ્પ દેખાઇ રહ્યો છે…. વર્તમાન પત્રોમાં વંચાવાઇ રહ્યો છે. .. દૂરદર્શન દ્વારા દેખાડાઇ રહ્યો છે

રાષ્ટ્રને આઝાદ થયાને ૬૮ વરસ અને રાજયને અસ્તિત્વમાં આવ્યાને ૫૦ વરસ થઇ ગયાં. અત્યાર સુધીની તમામ સરકારોએ વિવિધ યોજનાઓ દ્વારા સમયના વહેણની સાથે પ્રગતિની દિશામાં ગતિ કરવા પ્રયત્નો કર્યા. વિકટ અને વિષમ પરિસ્થિતીઓમાં પ્રજાની સુખાકારી જાળવી રાખવા પ્રયત્નો કર્યા. તમામ પ્રસાર અને પ્રચાર માધ્યમો દ્વારા પ્રજાને જાણકારી અપાતી રહી કે, રાષ્ટ્ર અને રાજયનો વિકાસ કેટલો થયો છે. નફાની વાતો વધારે સારી રીતે રજૂ થતી રહી અને નુકશાન નજરઅંદાજ થતું રહ્યું.

સાડા પાંચ કરોડ ગુજરાતીઓના ગુજરાતે પ્રગતિની દિશામાં હરણફાળ ભરી છે અને તેના પાયામાં કોમનમેન છે એવું કહેવાતું રહ્યું છે.

પણ,

કોમનમેન તો,

મહેનતની મજદૂરી જેમ તેમ મેળવતો મહામહેનતે મન મનાવી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

પોતાના પેટે પાટા બાંધી કરેલી પરસેવાની તમામ કમાણી પુત્ર કે પુત્રીના શિક્ષણ પાછળ ખર્ચીને આશા રાખી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

સવારથી સાંજ સુધીની રોજીન્દી રઝળપાટમાં જ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજવિદ્યા, ગણિત કે વિજ્ઞાનનો સીલેબસ પરસેવાના ટીપે નીતારીને વીચારી  રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

પાણીથીય પાતળા પગારમાં જેના વગર જીવી જ ના શકાય તેવી મોંઘીદાટ થઇ ગયેલી ખાદ્યસામગ્રીઓ ખરીદવાની મથામણ કરી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

આખા પરિવારના આરોગ્યને નબળી આવકમાં તંદુરસ્ત રાખવા થતી લમણાઝીંક અને રસાયણયુક્ત આહારથી આવી પડે તેવા દર્દોથી બચવાની મથામણ કરી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

બોસને આપેલ અને બાળકોને અપાઇ ગયેલ વચન પાળવામાં કાયમ જ બાળકોનો ભોગ લેવાય એવા વ્યાવસાયિક અને પારિવારીક જીવનની અસમતુલા વચ્ચે અફળાઇ રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

વાહવાહ અને શાબ્બાશ જેવા મુલાયમ શબ્દો જ હવે છૂટથી વાપરી શકાય, તેનાથી ઘરનો ચૂલો નથી સળગવાનો એવી ખબર હોવા છતાં આશા રાખે છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

ચહેરા પર આનંદ સાથે કેરીગાળો કરવા આવેલા અતિથીનો આદર કરતી વખતે પોતાની આર્થિક ભીંસ સંતાડી દેતાં અપેક્ષા રાખી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

કોમનમેન તો એમ જ માને છે કે, મારા રાષ્ટ્રની, મારા રાજયની, મારા ગામ કે શહેરની, મારા મહોલ્લાની સરકાર મારી કોઇ પણ જાતની આવક થાય તે પહેલા જ મારા વિકાસના નામે ગણ્યાગણાય નહિ તેટલી જાતના ટેક્ષના સ્વરૂપે ગમે તેટલા નાણા મારા ગજવામાંથી ખંખેરી લે, તો પણ શાંત જ રહેવું જોઇએ.

પછી,

ભલેને લાલપીળી લાઇટો વાળી મોટરો પેટ્રોલના ધૂમાડા કરતી દોડે, નેતાઓ લાખો રૂપિયાની વાતો ટેલિફોન પર કરે, તેમની સુરક્ષા પાછળ કરોડો ખર્ચાય અને આટઆટલા વર્ષો દરમ્યાન થયેલા તમામ કૌભાંડોને તપાસવાના તપાસપંચો પાછળ અબજોના આંધણ કરે.

છેવટે કોમનમેનને જોઇએ શું અને કેટલુ ?

 • ૪૦ રૂપિયે કિલો ખાંડ ?
 • ૨૪ રૂપિયે લીટર દૂધ ?
 • ૪૫ રૂપિયે કિલો  રસાયણવાળા લીલા દેખાતા શાકભાજી ?
 • ૫૦ રૂપિયે લીટર પેટ્રોલ ?
 • ૩૦ રૂપિયે બે દિવસની સાદી માંદગી દૂર કરવાની દવા ?
 • ૧૨% ના દરે એજયુકેશન લોન ?
 • ૯૦ રૂપિયાનો ઘેરબેઠા સાત્વિકતા વગરનો પરદેશી કંપનીએ બનાવેલ પીઝા ?
 • ૧૫૦૦ રૂપિયે કિલો ના ભાવે બટાકાની કાતરીઓ ?
 • ૩ રૂપિયે યુનીટના ભાવની વિજળી ?
 • ૧૦૦ રૂપિયે કિલો ફરસાણ ?
 • ૩૦ રૂપિયે કિલો કપડા ધોવાનો સાબુ ?
 • ૨૦૦ રૂપિયે કિલો નહાવાનો સાબુ ?
 • ૨૦૦ રૂપિયે લીટર વાળમાં નાખવાનું તેલ ?

જાતનો નહિ, એવાનો વીચાર કરજો જેને આજે પણ ગુજરાત એસટીની લકઝરી બસ તો ઠીક ગુર્જરનગરી પણ પરવડતી નથી.

બે બાળકોને વચ્ચે પાંચ રૂપિયા વાળો અડધો ગ્લાસ શેરડીના રસ ખરીદી શકે છે અને છેલ્લે પોતે વધેલા બરફના ટૂકડે ગળુ ભીંજવી લે છે.

બારમાસી પ્લાસ્ટીક કે રબ્બરના ચંપલ પહેરાવીને બળબળતા બપોરે બાળકોને ડામરની સડક પર દોરી જતા બાપને ખબર નથી બાટા એટલે શુ ?

 માર્ગદર્શન ગુજરાત યાત્રા દરમ્યાન નજરે જોયેલા, સ્વકાને સાંભળેલા અને જાતે કરેલા અનુભવે થયેલી વેદનાનો એક માત્ર અંશ છે.

 ખાત્રી સાથે લખીશ હવે ગુજરાતીઓ ગૌરવના ફક્ત ગીતો ગાવામાં જ સમજે છે … આજૂ અને બાજૂના માત્ર અન્ય બે અજાણ્યા જરૂરતમંદ ગુજરાતીઓનું ગૌરવ જાળવવામાં ય પાછા પડે છે.

 ગુજરાત ગામડાના ખેતરોમાં વીજળી અને ખેતમજૂર વગર મરી રહ્યું છે …અને મોટા શહેરોમાં પશ્ચિમી વાયરે પીંખાઇ રહ્યું છે.

 અહિ ઇન્ટરનેટ પર માનવતાયુક્ત, પ્રેરણાદાયી વીચારો, કવિતાઓ, ગઝલો, લેખ, વાર્તા લખનારાઓને એક જ વિનંતી,

દર મહિને ફક્ત એક જ દિવસ

ઇન્ટરનેટથી દૂર રહીને

સાચુકલા ગુજરાતી પાસે જઇને

ગુજરાતીમાં શ્વાસ લો …

એને એના કામમાં સહયોગ આપો …

ગુજરાતી આપોઆપ જીવી જશે.

… તમ બંન્નેમાં.

મને સાથે રાખશો તો અનહદ આનંદ થશે …

ચાલોને, લખવા–બોલવા ઉપરાંત પણ કંઇક એવું કરીએ જે કરવાનું વારંવાર મન થાય.

અખિલ.
 
તા.ક : દરસપ્તાહે હવે અમારા ફિલ્મ શો ગ્રામ્યવિસ્તારના ગુજરાતીઓ સુધી લઇ જઇએ છીએ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી, તેજાબ, મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to સ્વર્ણિમ ગુજરાત

 1. narendra કહે છે:

  સત્ય સાચે જ કડવું હોય છે. આ ખરેખર વાસ્તવિકતા છે. આ માટે આપણે સહુ જવાબદાર છીએ. આપણે આપણી ફરજ પુરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી અદા કરીએ, હક કરતા વધારે પામવાનો લોભ છોડીએ અને બીજાને નુકશાન કરવાની વૃતિ છોડી દઇએ તો આમાના ઘણા પ્રશ્નો ઉકેલાઇ શકે. પ્રશાસન ની ફરજ છે કે ફરજનિષ્ઠ ની કદર થાય, તેને પુરી સુરક્ષા મળે તેવી વ્યવસ્થા ગોઠવાય. પણ……. આવો દિવસ ક્યારે આવશે?

 2. chaudhari mitesh કહે છે:

  juo bhai ama vank ekala modi no nathi. sauthi vadhu vank to naheru parivar no chee jene tajetar ma j 8 varsh thi sastro ni mag karati indian army ne sastro pan nathi lavi apati.

 3. jignesh કહે છે:

  good modi

 4. dhufari કહે છે:

  ભાઇશ્રી અખિલ
  આજના દિનની તમારી પોસ્ટ હ્ર્દય શ્પર્ષી છે,તમોએ આપેલ દાખલા અને પાછળની ધ્રુવ પંક્તિ હવે તો સારા દિવસો આવશે એમાં થોડું ઉમરવાની રજા માંગુ છું કે,આજ કરતાં ૫૦ વર્ષના વહાણાવાઇ ગયા તો સુવર્ણિમ ગુજરાત મહોત્સવ પછી “નરકની બારી” ગણાતું વિરમગામ સ્વચ્છ થશે એવા હવે તો સારા દિવસ આવશે.
  અસ્તુ,

ટિપ્પણીઓ બંધ છે.