13.12.2010 સવારે 10.15 કલાકે વલસાડની પોસ્ટ ઓફિસમાં અમેરીકાથી આપણા અભિયાન માર્ગદર્શન માટે હિના અને ધ્રુવલે વેસ્ટર્ન યુનિયન મારફત મોકલાવેલ આર્થિક સહયોગ લેવા ગયો. 30 મીનીટમાં કાર્યવાહી પતાવીને ધરમપૂર ચોકડી પર આવે શંકર પેટ્રોલિયમ પરથી 8.12 કિલો સીએનજી લીધો.
ઉમરગામ તાલૂકાની બે શાળાઓ : 1. સરકારી માધ્યમિક શાળા તુંબ, અને 2. એમ એમ હાઇસ્કૂલ, ઉમરગામના ઉપક્રમે ફિલ્મ શોનું આજનું આયોજન હતું.
12.20 કલાકે સરકારી માધ્યમિક શાળા તુંબ પહોંચી ગયા. ધોરણ 8, 9 અને 10 ના આર્થિક રીતે તદ્દન નબળા વર્ગના શ્યામવર્ણી બાળકોને ચોખ્ખાચટ્ટ ધોયેલા એકદમ સ્ચચ્છ યુનિફોર્મમાં જોઇને નવાઇ પણ લાગી. મોટાભાગની છોકરીઓએ માથાના વાળમાં તેલ નાખીને ચપોચપ ઓળેલા વાળા કરેલા બબ્બે ચોટલામાં બાંધેલી લાલ રીબીન ધ્યાન ખેંચ્યા વગર નહોતી રહેતી.
આચાર્ય રમેશભાઇના આવકાર સાથે અમે તેમની ઓફિસમાં બેઠા. અંકિતા અને સંગીતાએ પાણી પછી બિસ્કીટ પછી ચા રમેશભાઇએ આપી રાખેલ સૂચના મુજબ અમને પીરસ્યા. ત્રીજે માળ તૈયાર કરેલા સભાખંડમાં લગભગ 280 જેટલા બાળકો શિસ્તબધ્ધ રીતે બેસી ગયા. તૃપ્તિએ ફિલ્મ પ્રોજેક્શનના સાધનો ગોઠવી દીધા.પૂર્વની બારીમાંથી આવી રહેલા તડકાને રોકવા અને ઉજાસને ઓછો કરવા અમે વિચાર્યું કે ફિલ્મ દિવાલ પર બાતાવીએ અને અમારો પડદો બારીમાં લગાવી દઇએ.
રમેશભાઇએ અમારો પરિચય કરાવ્યો. 40 મીનીટની ફિલ્મમાં તમારે શું જોવાનું છે અને એમાં જે ન સમજાય તે બાબતે વીના સંકોચ સવાલ પૂછવાના છે ની પૂર્વભૂમિકા બાંધીને ફિલ્મ ચાલૂ કરી.
ફિલ્મ પૂરી થયેથી જોયું કે ભારતિય બેઠકમાં 40 મીનીટ સુધી બેસવાની તેમની ક્ષમતા શહેરના બાળકોની તુલનામાં વધારે હતી. છતાં મેં તેમને ઉભા કર્યા, હાથ ઉપર અને પગ આગળ, પાછળ તેમજ આજૂબાજૂ કરાવીને ઢીલા કર્યા. મે તેમને પૂછયું, તમારે કંઇ પૂછવું છે ? ……………………………………………………………………………………… બધ્ધાય, ચૂપ. આદિવાસી બાળકોની આ ચૂપકીદી તેમની શરમાળ પ્રકૃતિને કારણે હતી. 35 મીનીટ સુધી હું તેમને તેમની શરમાળ પ્રકૃતિ ઘટાડવાના સંભવિત ફાયદાઓની તેમજ તેમના માતા–પિતાની તેમના પ્રત્યેની અપેક્ષાઓ અને તેમની ક્ષમતા મુજબના જીવનમાં અપનાવવા લાયક વ્યવસાયોની જાણકારી આપી રહ્યો હતો.
મને લાગતું હતું કે જાણે મેં કોઇ કથા માંડી છે અને સામે શ્રોતાગણ સાંભળે છે. તેમને મારી વાતમાં કેટલી સમજ પડી રહી છે તેની મને સમજ નહોતી પડતી.
કાર્યક્રમનું સમાપન કર્યું. તૃપ્તિએ સાધનો સંકેલીને પેક કર્યા. બે વિદ્યાર્થીઓ અમારા સાધનો ઉંચકી લઇને તૃપ્તિને અમારી વાનમાં મૂકી આપ્યા. હું રમેશભાઇને આવજો કહીને વાન પાસે પહોંચ્યો. રીસેસનો બેલ પડયો.
30 –40 બાળકો અમારી આજુબાજૂ વિંટળાઇ ગયા. હળવી ધક્કામુક્કી થઇ પડી. પગની આંગળીઓ પર એડી ઉંચી કરીને ડોક ખેચીંને નાના વિદ્યાર્થીઓ મને જોવા સાંભળવા અને સ્પર્શવા પ્રયાસ કરી રહ્યા હતા. બેચાર મારી તદ્દન સામે ઉભા રહીને પૂછી રહ્યા હતા, ફરી ક્યારે આવશો? તમે પાછા આવશો ત્યારે તમને બહુ બધા સવાલ પૂછીશું. ચોક્કસ પાછા આવશોને ?
તેમની આંખમાં મારો જવાબ જાણવાની ઉત્કંઠા હતી પણ મારી આંખમાં ….. .સંતુષ્ટિ સાથે વહી નિકળવા તૈયાર હર્ષાશ્રુની ધસમસતી નદી. સૌ સાથે હાથ મિલાવ્યા, કેટલાકને ભેટયો પણ ખરો. એ વાતની અનુભૂતિ થઇ કે દિમાગની વાત દિલ કરતું હોય છે ત્યારે તેને કાન નથી સાંભળતા, ફક્ત દિલ જ સાંભળતું હોય છે.