લગ્ન

વિમેશે લખ્યું કે,સમાજમાં પરિવારને જણાવ્યા વગર અથવા આંતરજ્ઞાતીય લગ્નોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. કારણ કે લગભગ ૧૦૦% શીક્ષીત અને ૮૦% કરતાં વધુ યુવાનોથી છલકાતો સમાજ પોતાનાં બાળકોની ભાવનાઓ નથી સમજી શક્યો.

ખાસ કરીને છોકરીઓ દ્વારા ભરવામાં આવતાં આવાં પગલાં મારી દ્રષ્ટીએ એમના કરતાં એમના પરિવાર અને માતા-પિતાની મોટી ભુલોને કારણે હોય છે. બાળકો પર પ્રભાવ કરતાં દબાણ વધુ હોય છે, સમજાવવાની ઢબ એમને નજીક લાવવાની જગ્યાએ વધુ દુર લઈ જાય એવી હોય છે. ઘરે એમને શું ભણવું છે એના કરતાં એમને ક્યાં લગ્ન કરાવવાની ઇચ્છા છે એની ચર્ચાઓ થતી હોય છે. એમની સામે સમાજને ખુબજ વિચિત્ર રીતે રજુ કરવામાં આવે છે જેને કારણે એમને સમાજ પ્રત્યે ભાવ વધવાની જગ્યાએ સુગ ચડવા માંડે છે.

આ સિવાય જ્યારે છોકરાઓની વાત હોય ત્યારે ખુદ એમનાજ માતા પિતા “હવે સમાજ જેવું છે જ ક્યાં???…બધ્ધાય બહારથી લાવે છે હવે તો… ફલાણાના ઘરે જ જુવોને..” જેવા સંવાદો રજુ કરી જાણે એને સામેથી જ આવું પગલું ભરવા કાં તો ઉશ્કેરે છે અથવા પ્રેરણા આપે છે. આવું કરતી વખતે એ કદાચ એમની જાતને જ ભુલી જતા હોય છે.

આ વિષય ખુબજ સમજદારી પુર્વકનો અભ્યાસ માંગી લે એવો છે. માત્ર જીંદગીનો અનુભવ એકલો જ આવી બાબતોમાં સીધો જ નિર્ણય લઈ લેવા માટે મારી દ્રષ્ટીએ પુરતો નથી પણ જમાના પ્રમાણે પેઢીમાં આવેલાં પરિવર્તનો, શીક્ષણ, સગવડો અને જરૂરીયાતો સમજ્યા બાદ કંઈ પણ સમજાવવા અથવા સમજવા માટે જરૂરી અથવા તો ફરજીયાત છે.

જ્યાં સુધી નવી પેઢી સાથે સંકળાયેલી આવી પાયાની બાબતો અંગે એમને સાથે રાખીને વિચાર વિમર્શ અથવા તો નિર્ણયો સુધી નહીં પહોંચવામાં આવે ત્યાં સુધી કદાચ આવું ચાલતું જ રહેશે અને હા, જો આ બાબતે જલ્દી / યુધ્ધના ધોરણે જો યોગ્ય સમજ સાથે પગલાં લેવામાં નહી આવે તો હજી સુધી સમાજનું જે પ્રકારનું અસ્તીત્વ આપણે જોઈ રહ્યા છીએ એનું આયુષ્ય બહું ઓછા વર્ષો સુધી હશે…

મને ઉમેરવાનું મન થયું કે,

દોસ્ત વિમેશ,

સૌથી પહેલા તો 50 વરસ જૂની (એક પેઢી) છતાં પ્રવર્તમાન લગ્ન, લગ્નવ્યવસ્થા, લગ્ન પધ્ધતિ અને લગ્નના જૂદા જૂદા રીતરીવાજોની શાસ્ત્રોમાં લખાયેલ શબ્દોની કે અપાયેલ વૈજ્ઞાનિક સમજ આજના પરીપેક્ષ્યમાં કેટલા જણ કેળવી શક્યા છે ?

ગોત્ર, ગણ, કુળ, મૂલ, વર્ણ ‘મેળવવા’ અને ‘ન મળે’ તો ની સમજ આપનારાઓ ક્યાં ?

‘અમે તો જન્માક્ષરમાં માનતા જ નથી’ વાળાનો એક આખેઆખો વર્ગ અંધારામાં દોડી રહ્યો છે.

ઉચ્ચ ભણતરની સાથે સાથે થયેલા માનસિક અને બૌદ્ધિક વિકાસે કદાચ આપણને આપણી મૂળ શાસ્તરોક્ત પરંપરાઓ અને વીધીઓથી વિમુખ પણ કર્યા જ છે.

પોતાને ‘બ્રોડમાઇન્ડેડ’ કહેવડાવવા મા–બાપ પોતાની દિકરીને પુત્રવધૂ બનવાની તાલિમ કદી આપતા જ નથી અને દિકરાઓને કન્યાની બાહ્ય સુંદરતામાં જ વધારે રસ હોય ત્યારે કન્યાની ‘આવડત’ જોવાની કોને પડી હોય ??

આર્થિક કટોકટી કે ભીસને પહોંચી વળવા નવેલી વહુએ નોકરી કરવાની તૈયારી રાખવાની અને .. કોના હાથે, કેવીરીતે બનેલું, રાંધેલું ભોજન કરીને સંસાર કેવો થાશે ઉપરાંત બાળકો જો થાય તો કોની પાસે કેવી રીતે ઉછરશેનો વિચાર લખપતિ, કરોડપતિ થવાની લ્હાયમાં કોને આવે ?

વર્ણપ્રથા કે વ્યવસાયપ્રથાને અનૂસરતી લગ્નપ્રથાના મૂળમાં સમાન વિચારસરણી અને રહેણીકરણી જેવા વિચાર હતા.

બે, ત્રણ કે ચાર દિવસ સુધી ચાલતા લગ્નોત્સવનો હેતુ દૂરદૂરથી આવેલા મહેમાનો અને સંબંધીઓ સાથે સમય માણવાનો અને અન્ય સંભવિત લગ્નસંબંધો બાંધવાનો રહ્યો હતો. આર્થિકરીતે નબળા પરિવારના પ્રસંગો સમાજના મોભીઓ આગળ આવ્યા વગર ખાનગીરીતે પાર પાડી આપતા.

આજે ટેન્શન કેમ થઇ આવે છે ?

યજમાન અને મહેમાનને સગાસબંધી, મિત્રમંડળ સહિત સૌને નિમંત્રણ આપવામાં અને નિભાવવામાં બન્નેને પોતાની ભૂમિકા ભજવવાનો ભરપૂર આનંદ મળતો. આજે ‘એક’, ‘બે’ કે જવલ્લેજ ‘બધા’ ને નિમંત્રણ પાઠવતાં ટેન્શન કેમ થઇ આવે છે ?

ટૂંકમાં સમજયા વગર સંસ્કારની વાત કરતા રહેવાની હવે ફેશન થઇ પડી છે. વાત કરી પરિણામનો વિચાર કર્યા વગર તે કરી બતાડવાની હોડ લાગી છે. દેખાદેખીમાં પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવાનો ચીલો પડવા લાગ્યો છે.

હવે તો લગ્ન બે હ્રદય કે પરિવારના મિલનને બદલે વધારે લોકશરમે ઉજવવો પડતો આર્થિક પ્રદર્શન, ફટાકડા કે સંપત્તિના ધૂમાડા, ડીજેના ડિસ્કો પર રસ્તે બેકલેસ ચોલી પહેરીને બાપની સામે જ ઠૂમકા લેતી દિકરી–વહુઓની સાથે નાચતી જાન કે બુફે માં પણ અન્નબગાડના પ્રસંગથી વિશેષ કંઇ જ નથી. ..

… લગ્ન નિમંત્રણનો સાભાર અસ્વીકાર કરતાં શીખી ગયા છીએ.

અમે છેલ્લા 10 વરસ દરમ્યાન કોઇનાય લગ્નપ્રસંગે ગયા નથી કારણકે, જવાનું મન થતું નથી.

ભોજન લીધા વગર અને ચાંલ્લો આપ્યા વગર નવદંપતિને અમે અમારી રીતે આશિર્વાદ કે શુભેચ્છા તો આપી જ દઇએ છીએ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.