અનુભવ – 03.03.2011 થી 07.03.2011

ચાલો ત્યારે શરૂ કરીએ અમારા સૌ પ્રથમ અનુભવ … ભરૂચથી.

ભરૂચ નજીક આવેલ નિકોરા, શુક્લતીર્થ અને મંગલેશ્વરની શાળાના બાળકો સાથે ઘણું ખરું દર વર્ષે બે ત્રણ કાર્યક્રમો યોજાતા હોય છે. ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આ વખતે ફિલ્મોનો મધ્યવર્તી વિચા…ર પરીક્ષા અને પરિણામ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવાનો હતો.

આખા શૈક્ષણિક વરસ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલા પરિશ્રમ બાદ લેવાતી પરીક્ષાઓ અને ત્યાર બાદ જાહેર થતા પરિણામો અંગે બાળકો, વાલીઓ અને માતા પિતાઓની પ્રવર્તતી માન્યતાઓ ગળે ઉતરે એવી નથી હોતી.

ભણશું નહિ તો રહિ જઇશું કે ભણશો નહિ તો રહિ જશો જેવા ભય સાથે ભણનારાઓ કે ભણવા મોકલનારાઓને લીધેલા ભણતર પર ભરોસો કેમ નથી હોતો ?

બધા તો નહિ પણ કેટલાક ગણત્રીના શિક્ષકો દ્વારા પૂરૂ પડાતું કારકીર્દીલક્ષી માર્ગદર્શન અમલમાં મૂકવાનું સાહસ હમણાં નથી કરવું એવું માનનારા વાલીઓ/માતાપિતા કદાચ અજાણતા જ પોતાના સંતાનને તેની યોગ્યતાથી વિપરીત પરીસ્થીતી તરફ ધકેલતા હોય છે.

કોણ જાણે કેમ, પણ આમીરખાનની ફિલ્મ THREE IDIOTS બધાએ જોઇ છે, વખાણી છે, અને જીવનમાં ઉતારવાલાયક વિચારો દર્શાવતી સરસ ફિલ્મ તરીકે આવકાર પામી છે પણ …. નથી બાળકો નિર્ભય બનીને માતાપિતાને પોતાની ઇચ્છા જણાવતા કે નથી માતાપિતા બાળકોની ઇચ્છાને જાણવાનો પ્રયાસ કરતા.

અમે બસ એટલો જ પ્રયાસ કર્યો કે, બાળકો પોતાના સ્વતંત્ર વિચાર કરતા થાય, માતાપિતાને સંકોચ વગર કહેતા થાય …

અને

માતાપિતા પોતાની સામાજિક તેમજ આર્થીક સ્થીતીનો વિચાર કરીને વાસ્તવિકતા સાથે સુસંગત નિર્ણય કરે.

आखिर इस धरती पर हर एक जीवके लिये सबकुछ पर्याप्त मात्रामां उपलब्ध है।

હવે વાત વડોદરાની

…….. કમાટીબાગ અને કારેલીબાગ પાસે બાલભવનના ઓડીટોરીયમમાં મારા ફેસબુક મિત્ર અજયભાઇએ તેમના મિત્ર મુકેશભાઇ અને અન્યોને સાંકળી લઇને સાંજે 7 કલાકે ફિલ્મ શોનું આયોજન કર્યું હતું. બાલભવનના નોટીસ બોર્ડ ઉપરાંત ફેસબુક, ઇમેઇલ, ઓર…કૂટ અને ટવીટર દ્વારા સૌએ તેમના સંપર્કસુત્રોને નિમંત્રણ મોકલ્યા હતા.

અપેક્ષા હતી કે 150 જેટલા બાળકો તેમના માતાપિતા સાથે હાજરી આપે તો દર્શકોની સંખ્યા 450 જેટલી થાય. ભરૂચ નીકળીને અમે અજયભાઇના નિવાસસ્થાને વડોદરા સાંજે 4 ના સુમારે પહોંચ્યા.

ફ્રેશ થયા .. ચાહ સાથે ચા પીધી .. તડકામાં એક્ષપ્રેસ હાઇવે પર કરેલ સફરનો થાક ઉતારવા સારુ થોડો આરામ પણ કરી લીધો.

સાંજે 6.15 કલાકે અમે બાલભવન આવી પહોંચ્યા. જૂદી જૂદી રમતો રમી રહેલા બાળકો પોતાની મસ્તીમાં મશગૂલ હતા. કીશોરો અને યુવાનો ક્રિકેટની નેટપ્રેકટીસ કરતાં જોવા મળ્યા. તેમની સાથે આવેલી મમ્મીઓ પોતપોતાના જૂથમાં બેસીને વાતો કરતી નજરે ચડી.

મુકેશભાઇ અને સંગીતાબહેન અમને ટેબલટેનિસ રમવાના હોલ સુધી દોરી લઇ ગયા. સાધનો કેવી રીતે ગોઠવવા અનૂકૂળ રહેશે તેની સમજ તૃપ્તિને આપી. તૃપ્તિએ એલસીડી પ્રોજેક્ટર, ડીવીડી પ્લેયર, એમ્પલિફાયર અને માઇક્રોફોનના જોડાણ કરી લીધા.

7.20 કલાકે એકત્ર થયેલા દર્શકોની સંખ્યા આશરે દસ–બાર મોટા, ચારેક બાળકો, વીસેક યુવાનો અને ત્રણેક વડિલોની થઇ. અજયભાઇ અને મુકેશભાઇ અવઢવમાં હતા કે …. શું કરીએ ?

મેં કહ્યું, આ તો ઘણી સારી સંખ્યા છે. સમયસર આવેલાઓને, મોડા પડનારાઓને કારણે પ્રતિક્ષા કરાવવાનું મને ક્યારેય ગમ્યું નથી. ચાલોને, કાર્યક્રમ શરૂ કરી દઇએ.

ફિલ્મને અંતે પ્રશ્નોત્તરીનો આરંભ કેવી રીતે કરવોની મુંઝવણ યુવાનો અને બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. કઇ ફિલ્મ દ્વારા ફિલ્મમેકર શું કહેવા માંગે છે જેવા નિરર્થક સવાલને બદલે તમે આ ફિલ્મમાં શું જોયું નો સવાલ મેં વહેતો કરી દીધો.

મોટાઓના મનમાં પણ કેટલાક સવાલ હતા .. યુવાનો તેમના સવાલોને શબ્દોમાં ગોઠવવાની ગડમથલમાં હતા.

કોણ જાણે કેમ પણ, એમ લાગતું હતું કે પોતાના વીચારો વ્યક્ત કરવા તેર તેર વરસથી શીખેલ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષાની જાણકારી પણ તેમને સવાલો પૂછવા ઓછી પડતી હતી !!

પણ પછી તો મોટાઓએ શરૂઆત કરી અને યુવાનોએભ ધબધબાટી બોલાવી.

અમે બસ એટલો જ પ્રયાસ કર્યો કે, યુવાનો પોતાના સ્વતંત્ર વિચાર કરતા થાય, માતાપિતાને સંકોચ વગર કહેતા થાય … પોતાની ઇચ્છાઓને ઓળખે … પોતાની શક્તિઓને કામે લગાડે … અને ધારેલા પરિણામ મેળવવા પરિશ્રમ કરવાનો અભિગમ રાખે.

અને

શહેરના સ્પર્ધાત્મક વાતાવરણની અસર હેઠળ માતાપિતા પોતાનો કક્કો ખરો કરાવવાનો દુરાગ્રહ છોડીને સંતાનો સાથેના સંબંધોમાં સંપત્તિને કેન્દ્રમાં રાખવાને બદલે સ્નેહની સમૃધ્ધિને જાળવવાનો અભિગમ રાખે.

आखिर इस धरती पर हर एक जीवके लिये सबकुछ पर्याप्त मात्रामां उपलब्ध है।

.. અને હા, બાલભવન સોસાયટીએ અમારા પ્રવાસને આગળ ધપાવવા .. રૂ. 500નો સહયોગ પણ આપ્યો.

હવે વાત, અમદાવાદની

…. અજયભાઇને ત્યાંથી નક્કી કર્યા મુજબ સવારે 6 કલાકે તૃપ્તિ અને હું એક્ષપ્રેસ વે દ્વારા ચા સાથે હળવો નાસ્તો કરીને અમદાવાદ આવવા નીકળ્યા. સૂર્યોદય થવાને વાર હતી. વહેલી સવારે કામ પર જનારા લોકોની સંખ્યા વધી હોય કે પછી રાતપાળી… કરીને પરત આવી રહેલા લોકો પણ એ અવરજવરમાં હતા.

રૂ. 81નો ટોલટેક્ષ ભર્યા બાદ અમે વાદ્યસંગીત સાંભળતા સેન્ટ્રલ લેનમાં 80 કિ.મી. પ્રતિ કલાકે અમદાવાદ તરફ આગળ વધતા રહ્યા. તા. 4 અને 5 માર્ચ અમદાવાદ ખાતે યોજાએલ બે દિવસીય સેમીનાર FUND RAISING and COMMUNICATION WORKSHOP માં ભાગ લેવાનો હતો. આ દરમ્યાન રાત્રી રોકાણ ક્યાં કરશું તે નિશ્ચીત ન હતું. ફેસબુક, ઇમેઇલ, ઓરકૂટ દ્વારા અમદાવાદ રહેતા 70 મિત્રોને જાણ કરી દીધી હતી.

4 મિત્રોએ મારો સંપર્ક કર્યો. 1 મિત્રે એસએમએસ કર્યો.

તા. 4થીએ માર્કન્ડભાઇને ત્યાં કિસનપૂર, રાત્રી રોકાણ
તા. 5મીએ અમિષભાઇને ત્યાં નવરંગપૂરા, રાત્રી રોકાણ
અને
તા. 6ટ્ટીએ વિપુલભાઇને ત્યાં વાડજ પરિવાર પરીચય ગોઠવી દીધો.

આ સૌને હું જીવનમાં કદીય રૂબરૂ મળ્યો નહોતો. તેમને જોયા નહોતા. હા, ફોન પર વાતો જરૂર કરી હતી.

તા. 4થી માર્ચ. સવારે 8 કલાકે અમે માર્કન્ડભાઇને ત્યાં કિસનપૂર પહોંચ્યા ત્યારે જરાયે અજાણ્યું ના લાગ્યું. ચા પીને સેમીનાર FUND RAISING and COMMUNICATION WORKSHOP માં ભાગ લેવા નીકળી ગયા. અમદાવાદ શહેરી વિસ્તારમાં કાર ડ્રાઇવ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. લગભગ દરેક ચાર રસ્તા પર મારા સવાલનો જવાબ હસતા મોઢે આપતા એ પોલિસ કોન્સટેબલો માટે મને માન ઉપજે એ સ્વાભાવિક છે.

9 થી 5 સેમીનારના પહેલા દિવસના અંતે … હું કોકની સાથે વાત કરતો કરતો બહાર આવી રહ્યો હતો ત્યારે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટી૨યુટને ઓટલે સાંજે 5.15 કલાકે એક 78ની આસપાસ ઉંમરે પહોંચેલ વ્યક્તિ એક યુવાન સાથે મને ટગર ટગર જોઇ રહી હોય એમ મને લાગ્યું. અમારી નજર મળી. તેઓ મારી નજીક આવ્યા અને બોલ્યા – હું વલીભાઇ.

મારા ઇમેઇલનો સંદેશ વાંચી મુ. વલીભાઇ મુસા છેક પાલનપૂરથી માત્ર અમને મળવા માટે આવીને 5.15 કલાકે પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેમણે તો મને અખિલટીવી ડોટ કોમ પર જોયો પણ હતો. મને ઓળખી કાઢવામાં તેમને કોઇ જ તકલીફ ન પડી.

ગાંધીજીની તસવીર સમક્ષ આવા પ્રેમાળ, સાદા વ્યક્તિને મળવાના આનંદમાં આપોઆપ દિલથી એમને ક્યારે ભેટી પડયો એ ય ખબર ન પડી. બે કલાક માટે તેમના દ્વારા મારા નિયત કાર્યક્રમમાંથી અપહ્રત થયો. ટાયરના વ્યવસાયમાંથી હોટેલ/ગેસ્ટહાઉસના વ્યવસાયમાં આવનાર આ મુસ્લિમ પરિવારના સભ્યોએ અમને સ્નેહથી તરબદર કરી નાખ્યા. મેથીની ભાજીના ગોટા સાથે ચાહ વાળી ચા તો ખરી જ. બ્લોગીંગ જગતની વાતો, તેમના પૌત્રો/પૌત્રીઓની પ્રવૃત્તિઓ અંગે જાણકારી, અમારી મા.ગુ.યા. ના અનુભવોની આપલે ..કરીને રાત્રે 8 કલાકે ઇસનપુર આવી પહોંચ્યા.

તા. 5મી માર્ચે સવારે 8.30 કલાકે માર્કન્ડભાઇ સાથે આગલી રાતે કરેલ સંવાદના સંસ્મરણ યુક્ત શુભેચ્છાઓ સાથે સેમીનારના બીજા દિવસે ભાગ લેવા નીકળ્યા ત્યારે ગઇકાલનો અજાણ્યો રસ્તો આજે જાણીતો બની ગયો હતો. આજે સાંજે 5 કલાકે અમિષભાઇ અમને લેવા આવવાના છે. 9 થી 5 સેમીનારના બીજા દિવસના અંતે અમે સૌ તાલિમાર્થીઓ ટાટા.. બાયબાય .. સીયુ .. ટેક કેર … કીપ ઇન ટચ ની વિધી પતાવતા પતાવતા છૂટા પડી રહ્યા હતા ત્યારે … સ્કૂટર પર એક યુવાન આવી પહોંચ્યો. તે મને કહે, અખિલભાઇ, મને અમિષભાઇએ તમને લેવા મોકલ્યો છે. મેં પૂછયું, હું જ અખિલ છું એવી ખાત્રી તમે કેવી રીતે કરી ?? મને કહે, અમિષભાઇએ તમારી વિડિયો બતાવી હતી. હવે મારે એની પાછળ પાછળ કાર ડ્રાઇવ કરીને અમિષભાઇની ઓફિસ પર પહોંચવાનું હતું. અમદાવાદની ભીડ અને ઉતાવળીયા મોટરસાઇકલીસ્ટો વચ્ચે અનિયંત્રીત ટ્રાફિકમાં ઉપેન્દરને ફોલો કરવાનો હતો. મને લાગે છે કે ફેસબુક કે ટવીટર પર ફોલો કરવું સાવ સહેલું છે.

રવિવારનો સવારનો 10 થી 1 નો સમય વધી પડયો. ફેસબુકના જ વિપુલભાઇને એ વધારાના મળી ગયેલા સમયનો લાભ આપી દેવાનો નિર્ણય કર્યો. અમિષભાઇએ અમારા પ્રવાસને આગળ ધપાવવા .. રૂ. 2500નો સહયોગ પણ આપ્યો.

વિપુલભાઇ અમને લેવા આવી પહોંચ્યા. અમે પહોંચ્યા વાડજ. બપોરે બે વાગ્યા સુધી અમે વિપુલભાઇ સાથે અમારા મા.ગુ.યા.ના અનુભવોની વાતો કરતા રહ્યા, ચાહ વાળી ચા, નાસ્તો અને પછી સ્નેહસભર ભોજન. મારી આગામી યોજના અને પ્રવાસ અંગે તેમના સલાહસૂચન લીધા.

બપોરે બે વાગ્યે ગાંધીઆશ્રમ જવાનું હતું. એક એનજીઓના કેટલાક સદસ્યોને મળવાનું હતું. ગાંધીઆશ્રમે ભેગા થયેલ યુવાનો સાથેના સંવાદમાં એમ લાગ્યું કે, સમાજસેવા એ જ મોટી સેવા છે અને સેવા કરનારે દિલ મોટું રાખવું જોઇએ. અપેક્ષાઓ રાખવાની કોઇ જરૂર નથી. ફિલસુફી કે જીવનનો ગુઢાર્થ જણાવતા વાક્યો.. સુવાક્યો બોલાયે જતા હતા. મને લાગ્યું કે મોટી મોટી વાતો થાય છે.

.. એક એસએમએસ આવ્યો. .. મોકલનાર > શેફાલી ગાંધી. સંદેશો > Aapne malavoo j chhe. malya vagar javanu nathi.

મને લાગ્યું કે સમય વાપરવો જરૂરી છે … વેડફાઇ જાય તે ના ચાલે. નકામી વાતોમાં ય કશુંક કામનું કદાચ કંઇક મળી આવતું હોય છે. સભામાં મેં કહ્યું, આ તમામ ચર્ચાને અંતે એ નક્કી કરીને મને જણાવજો કે મારે શું કરવાનું છે અને ક્યારે કરવાનું છે. કારણકે, મને કામમાં વધારે સમજ પડે છે. મને ખબર નથી પણ એનજીઓ કલ્ચર સમજવામાં મને બહુજ મુશ્કેલી પડતી રહી છે. એટલે મોટે ભાગે એમની સાથે વાતો કરતી વખતે કામ કરવા પૂરતું જ જોડાણ કરવુંની આદત રાખી છે. અમે ત્યાંથી વિદાય લીધી.

શેફાલીબહેનને મેં તરત જ ફોન કર્યો … તેમને વિપુલભાઇ સાથે વાત કરાવી. દુબઇથી સ્થળાંતર કરીને આવેલ વિપુલભાઇએ અમદાવાદની ભૂગોળ ઠીક ઠીક મોઢે કરી લીધી છે. શેફાલીબહેન અને વિપુલભાઇએ સમય 3.30 અને સ્થળ … હેવમોર આઇસક્રીમ પારલર નક્કી કર્યું. હવે એક વધુ અમદાવાદના ફેસબુકરને રૂબરૂ મળવાનું થયું.

45 મીનીટ સુધી અમે ફેસબુક સીવાયની બધી વાતો કરી …. અફકોર્સ આઇસક્રીમ સાથે સ્તો.

અને સાંજે 5.00 વાગ્યે અમે ફરી પાછા રૂ. 81 નો ટોલટેક્ષ ભરીને અમદાવાદથી વલસાડ આવવા એક્ષપ્રેસ વે પર વહેતા થયા.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to અનુભવ – 03.03.2011 થી 07.03.2011

  1. સુરેશ જાની કહે છે:

    અમદાવાદની વાત વાંચીને મજા ન આવે તો તે અમદાવાદી શેનો?
    કાશ! હું પણ ત્યાં હોત તો?

ટિપ્પણીઓ બંધ છે.