અનશન

દેશમાં ચાલી રહેલા અન્નાજીના આંદોલનથી દેશભરના આમનાગરીકો સડક પર આવી ગયા છે.ટેલિવિઝન પર સમાચારોની ચેનલો ઘેરબેઠા મુંબઇ થી દિલ્હી થઇને અનેક શહેરોની પરિસ્થિતિ બતાવી રહી છે. હા … બધે બધું જ થઇ રહ્યું છે .. જે બરાબર નથી એવા લોકપાલ બીલને જનલોકપાલ બીલના સ્વરૂપે બરાબર કરવા બધા જ પોતપોતાનાથી થાય તે બધું જ કરી રહ્યા છે.

અને એટલે જ મારાથી થઇ શકે એવા એક દિવસના પ્રતિક અનશનનું પુષ્પ ગઇકાલે જન્માષ્ટમીએ 22મી ઓગષ્ટે સવારે 8 થી રાત્રે 8 દરમ્યાન અન્નાજીના સમર્થનમાં અર્પણ કરવાનો વિચાર પરમ દિવસે આવ્યો હતો જે વલસાડમાં સાતેક જેટલી સામાજીક અને સેવાભાવી સંસ્ભાઓના સંયુક્ત ઉપક્રમે અન્ના હજારેને સમર્થન આપવા માટે 16.08.2011થી આરંભેલા રહેલા અભિયાનમાં ગઇકાલે અમલમાં મૂક્યો.

મારા જીવનમાં કોઇ જાહેર સ્થળ પર બેસીને 12 કલાકનું અનશન કરવાનો મારી 53 વરસની ઉંમરમાં સૌ પ્રથમ અવસર હતો. મારી જેમ જ અન્ય દસ વ્યક્તિઓ પણ મારી જેમ જ 12 કલાકના અનશન માટે મંચ પર જોડાયા હતા. રાકેશ ઝા વીમા કંપનીના અધિકારી અને વિમલ દેસાઇ વ્યાવસાયિક યુવાન મારા મિત્રો બન્યા. દોલતભાઇ, લતીફભાઇ, હુસેનભાઇ, દુષ્યંતભાઇ, અમૃતભાઇ, હેમાક્ષીબહેન, સુધાબહેન અને ધર્માબહેન સહ અપવાસી બન્યા.

ગાયત્રી ચેતના પરિવારના સભ્યોએ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રિય અને ધાર્મિક ભાવનાઓનું સંમિશ્રણ થવાને કારણે મારા મન પર જે અસર થઇ તેવી અસર કદાચ અનયોને પણ થઇ હશે. મને લાગ્યું કે દૂધ અથવા દહિની વાત કરતા હોઇએ ત્યારે બન્નેની વાત સાથે કરવાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. બેમાંથી જે મુખ્ય મુદ્દો હોયતેની જ વાત થવી જરૂરી છે. તમામ શક્તિ, ચેતના કે ઉર્જાને એકાગ્રીત કરીને ઉપયોગમાં લેવાથી જ પરિણામ મેળવી શકાય. મારા અવલોકનને આધારે લાગે છે કે, જયારે ભગવાનની વાત થાય ત્યારે ઘરડાંઓ બેઠા થાય છે અને દેશ/રાષ્ટ્રની વાત થાય ત્યારે યુવાનો ઉભા થઇ જાય છે… પણ જયારે બન્ને વાત થાય છે ત્યારે … વાત, ફક્ત વાત જ બનીને અટકી જાય છે.

સ્થાનિક ભાજપે ગુજરાત બંધને સફળ બનાવવા વલસાડ બંધ કરાવ્યું. રાષ્ટ્રિય ઉત્પાદકતામાં આવો બંધનો અવરોધ ઉભો કરી રોજનું કમાઇ રોજ ખાવાવાળા લોકોને અગવડમાં મૂકવાનું કામ વર્ષોથી રાજકિય પક્ષો કરતા રહ્યા છે. હો હા કરીને .. બાપના પૈસાનું પેટ્રોલ પુરાવીને મોટરસાઇકલો પર ભૂરાયાં ઢોરની જેમ શોરબકોર કરી ધસમસતા મુરખ યુવાનોને પોતાના હાથા બનાવવાનું કામ રાજકિય પક્ષો માટે બહુજ સરળ છે.

સ્થાનિક મિડીયાના રીપોર્ટરો પર સ્થળની મુલાકાત લઇ ઘટનાની બારીકાઇ કે વિશીષ્ટતાનું સંશોધન કરવાથી તો દૂર પરંતુ કોઇ એવા મુદ્દાની તલાશ કરતાં જણાયા કે જેમાં કોઇ દમ ભલે ના હોય પણ એને વિવાદની ચ્યુઇંગમ બનાવી શકાય. સવાલ કે પ્રશ્નો પૂછવાની કાબેલિયતનો સંપૂર્ણ અભાવ અને કોણે શું તેમજ કેટલું બોલવું તે પર નિયંત્રણ !! આને વાણીની સ્વતંત્રતા કેવી રીતે કહેવાય ?

તો બીજી બાજુ, ફોટામાં કે વિડિયોમાં ચમકવા અને ‘હું’ કે ‘અમે’ને મોટો કરવાની લાલસા રોકવાનું કેટલું અઘરું છે તે ભાજપના સ્થાનિક નેતાઓ સહિત આયોજનમાં ભાગ લઇ રહેલ લોકોમાં હું જોઇ રહ્યો હતો.

વરસાદ અને વાદળીયું વાતાવરણ હોવાને કારણે પાણીની જરૂર વર્તાતી નહોતી પણ દિવસભર ટેલિવિઝન પરથી મળતી જાણકારીની સાથે સાથે દેશભક્તિના ગીતો લાઉડસ્પીકરમાંથી વહેતા રહ્યા અને કાન પર અવાજનું દબાણ અને મન પર સમજી ન શકાય તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવા માંડયા !!

મોડી સાંજે આયોજકો અને નિવૃત્ત સીનીયર સીટીઝન્સ મંડપમાં આવવા શરુ થયા. શ્રીકૃષ્ણ જન્મોત્સવના ગીતો કેટલીક બહેનોએ ગાવા શરૂ કર્યા. 7.45 થવા આવી .. એક તાસકમાં અમારે માટે મોસંબીના જયુસ ભરેલા ગ્લાસ આવ્યા. શાંતિપાઠ(કે મંત્ર) કરવામાં આવ્યો. અને અમે સૌએ પારણા કર્યા.

મારા ચશ્માપાછળ મારી આંખમાં બે આંસુ હતા.
એક અન્નાજીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી રહ્યું
અને બીજું, અનશન કરી શક્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યું.

ફક્ત 12 કલાકના અનશને મારી આંતરીક શક્તિમાં પ્રચંડ વધારો કર્યાનું અનુભવી રહ્યો છું.
અપવાસની તાકાતનો પ્રત્યક્ષ પરચો મેળવી શક્યો છું.
મન, બુધ્ધી અને વિચારની પ્રવૃત્તિને સાક્ષીભાવે જોઇ શક્યો છું.
સહજતા, સરળતા અને સાદગીનો વૈભવ જાણી શક્યો છું.

વધુ મજબૂત, ભારતિય નાગરીક બની શક્યો છું.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

5 Responses to અનશન

  1. himanshupatel555 કહે છે:

    તમારા ૧૨ કલાક તમારા જીવનની પ્રતિકાત્મક કવિતા થઈ હવે એને મેટાફોરિક બનાવો તો સ્વકને જીવ્યાનું ઉત્તમ પ્રપ્ત થશે.

  2. Preeti કહે છે:

    ખુબ જ સરસ અખીલજી

ટિપ્પણીઓ બંધ છે.