કાને ઓછું સંભળાય,
આંખે ઓછું દેખાય,
દાંત વગર ઓછું ખવાય,
પગને પણ હવે શરીરનો ભાર લાગે,
ઘુંટણ કયારેક ગબડાવી દે,
સમજ પણ હવે ઓછી પડે,
રકાબીની ચા પણ ગરમ લાગે,
હથેળીની ધ્રુજારી આંગળીઓ પાસે કોળીયા છોડાવે,
કપડાં બગડે ને …
દવા લેવાનો સમય થાય..
બાળપણથી ઘડપણ સુધી તો આવી ગયા
પણ હવે
સવારથી સાંજ સુધીનો સમય પસાર કરવા,
ટીવી વાળા જયારે, જે, જેવું બતાવે તે જોયા કરવાનું …
મૃત્યની રાહ જોવી બહુ જ અઘરું છે.
85એ પહોંચેલા સ્વજન પાસે બેસી બે અશ્રુબિન્દુ પાછળથી જોયેલી
વેદના.
આપે રજૂ કરેલ વેદના હકિકતે સાચી છે અને મૃત્યુને આરે ઉભેલા, પરવશ બની ચૂકેલાને સ્વેચ્છા મૃત્યુ/સંથારાની છૂટ મળવી જોઈએ તેવું હું માનું છું. આપ શું વિચારો છો ?
મુ. અરવિન્દભાઇ, દિમાગ અને દિલ વચ્ચે કશ્મકશ કરાવે એવો સવાલ તમે પૂછયો. કે ‘આપ શું વિચારો છો ?’ દિલ સદાય સંબંધોની લાગણી સાથે જોડાયેલું રહ્યું હોવાને નાતે મંજૂરી ના જ આપે એસ્વાભાવિક છે પણ, દિમાગ વૈજ્ઞાનિક રીતે પીડાયુક્ત શરીરમાંથી ગુંગળામણ અનુભવતા જીવને મુક્ત થવાની તરફેણ કરે. … પણ … સરવાળે મને એમ લાગે છે કે .. સ્વેચ્છા મૃત્યુની મંજૂરી હોય તો વધારે સારુ.