ચહેરા પર સ્મિત ચોંટાડી શુભેચ્છા આપતા
લોકો દેખાય છે.
અંદરથી ઇર્ષામાં બળી મરતા
લોકો જણાય છે.
અભિવાદન કે અભિનંદન કરતાં
લોકો દેખાય છે.
ઘવાયેલા અભિમાનને ઢાંકતા
લોકો જણાય છે.
દિમાગની તાકાતથી સ્પર્ધા કરતાં
લોકો દેખાય છે,
લાગણી વિહોણા દિલને ધબકતું રાખતાં
લોકો જણાય છે.
સુફીયાણી વાતો સુંવાળી ભાષામાં કરતાં
લોકો દેખાય છે,
સત્ય કે સચ્ચાઇથી જોજનો દૂર
લોકો જણાય છે.
વિરાટ અને વિજ્ઞાનની વાતો કરતાં
લોકો દેખાય છે,
સમાજમાં પણ સ્વચ્છંદતાની અસર હેઠળ
લોકો જણાય છે.
આવરણ દૂર કરવાની વાત કરનારા
લોકો દેખાય છે,
આવરણ વગર જીવી ન શકનારા
લોકો જણાય છે.
ખખડધજ ઉંમરે હાથ જોડી સન્માન મેળવનારા
લોકો દેખાય છે,
ખળખળતી યુવાનીમાં પ્રેરણાની પ્રતિક્ષા કરતાં
લોકો જણાય છે.
તમે કે હું પણ કોને ખબર કેવા
દેખાઇએ છીએ,
તમે કે હું પણ કોને ખબર કેવા
જણાઇએ છીએ.