બોલતાં બોલાઇ જાય કે,
ટાંકી છલકાઇ,
પછી વિચાર આવે કે ..
આ તો પાણી છલકાયું, ટાંકી તો એમ જ ઉભી છે !
બોલતાં બોલાઇ જાય કે,
લોટ દળાવ્યો,
પછી વિચાર આવે કે ..
અનાજ દળાવ્યું …. એટલે લોટ થયો !
બોલતાં બોલાઇ જાય કે,
ફોન આવ્યો,
પછી વિચાર આવે કે ..
એ તો રણક્યો, ફોન તો ત્યાં જ છે !
બોલતાં બોલાઇ જાય કે,
સ્ટેશન આવ્યું,
પછી વિચાર આવે કે ..
આ તો આપણે પહોંચ્યા, સ્ટેશન તો ત્યાં હતું !
વાત ભાષાની કે શબ્દોની જ હોત,
તો થોડા અક્ષરનો વપરાશ પૂરતો થાત,
પરંતુ, મુદ્દો તો વાત કરવા પૂરતો સીમીત ન્હોતો,
વાત સમજાવવાની જરૂર હતી.
બોલતાં બોલાઇ જાય કે,
સમજ પડી કે નહિ,
પછી વિચાર આવે કે ..
આપણે સમજ પાડી કે નહિ ?
એજ તો મુંઝવણ છે !!!
મન પણ કાચિંડા જેવું છે.
રંગ જોઇને, શબ્દો સાંભળીને, તરંગે ચડી,
વિચારના વંટોળીયા જગાવ્યે જ રાખે છે.
પછી શાંતિની શોધમાં શરીરને ભટકતું રાખે છે.
એજ તો મુંઝવણ છે !!!
અરે વાહ તમારે ત્યાં બરફ વર્ષા શરુ થઈ ગઈ – ભાવનગરમાં તો હજુ પંખા ચલાવવા પડે છે.
Do the best
&
Leave the rest
મને તો શાંતિ માટેનો આ ઉત્તમ ઉપાય લાગે છે.
સ્ટેશન આવ્યું / લોટ દળાવ્યો / ફોન આવ્યો વગેરે સાપેક્ષ શબ્દ છે. ગતિ આપણી હોય છે પણ જાણે કે સામેનો પદાર્થ ફરતો હોય તેમ અનુભવીએ. પૃથ્વી ફરે છે ને? તો યે આપણે સુર્યોદય / મધ્યાન્હ / સાંજ અને રાત્રી કહીએ છીએ ને?
પ્રકૃતિમાં બધું સાપેક્ષ છે. નીરપેક્ષ તત્વમાં પહોંચશુ કે જે આપણુ સ્વરુપ છે માત્ર ત્યારે ને ત્યારે સાચી હાશ થશે. પ્રકૃતિની અંદર અનુભવાતી હાશ ક્ષણીક હોય છે. શાશ્વત શાંતિ આપણાં સ્વરુપમાં છે.
આજે લખવાનો મુડ ચડ્યો તો આટલું લખી નાખ્યું
બાકી તો નારેશ્વરના નાથ રંગ અવધૂતની યાત્રા બ્લોગ દ્વારા માણવાની મજા આવી. મુસાફરી તમે કરી અને નારેશ્વર જાણે આવ્યું હોય તેમ લાગ્યું કે નહીં?
1. બહાર ભલેને ગરમી હોય, જયાં પાડી શકાય એમ છે ત્યાં બરફ વરસાવવામાં કયાં કોઇ મુશ્કેલી છે ?
2. તમારી વાત તદ્દન સાચી કે .. Do the best & Leave the rest. પણ આ વાતને અમલમાં મૂકવાના અનુભવે સમજાયું કે તે કેટલું અઘરું છે. મહાવરાથી જ એ શક્ય બને.
3. નારેશ્વરના પ્રવાસ દરમ્યાન રસ્તાઓ, વળાંકો, ત્રીભેટે કે ચાર રસ્તે સાચી દિશા … પકડી રાખવાની ય મોજ હોય છે એવી અનુભૂતી થઇ.
4. સરળતાથી નારેશ્વર પહોંચવા … રેલ્વે માર્ગે પાલેજ આવીને રૂ.15 પ્રતિ સવારી લેખે નારેશ્વર સુધી 35 મીનીટનો છકડા પ્રવાસ કરવો.
5. રાજયના મોટા ભાગના શહેરથી નારેશ્વર સુધી જીએસઆરટીસીની સીધી બસ સેવાઓ પણ ઉપલબ્ધ છે.
6. વડોદરા અને ભરૂચથી નીયમીત સમયાંતરે બસ સેવા ઉપલબ્ધ છે.
7. બે વ્યક્તિઓ માટે રાત્રી રોકાણ ‘રંગઆશિષ’ માં 24 કલાક માટે ફક્ત રૂ. 100. ભોજન વ્યવસ્થા પણ સારી.