ગુલાબભાઇ

ગુલાબભાઇ મારી સામેના જ મકાન માં રહેતા હતા.
તેમની સાથે વર્ષો પહેલા દોઢેક વર્ષ માટે સાયનામાઇડમાં સાથે કામ કરવાનું થયું હતુ.
સ્વભાવે મીતભાષી .. હસમુખા અને કોઇની સાથે કોઇ જાતની ખટખટ કે ખટપટ નહિ.
એમના પરિવાર સાથે સાધારણ ખપ કરતાંય ઓછો પરિચય.

આજે સવારે ટૂંકી માંદગી બાદ ગુલાબભાઇનું અવસાન થયું.

એમની અંતિમયાત્રા બપોરે શબવાહિની દ્વારા કૈલાસ રોડ પર આવેલ વલસાડના એક માત્ર સ્મશાનગૃહે જવા નીકળે તે પહેલા …

મહિલાવર્ગ કલ્પાંત કરી રહ્યો હતો. એમને માટે સ્વજન ગુમાવ્યાનું દુઃખ હતું.

એમના મકાનના આંગણામાં સૌ સ્નેહીજન, સગાં–સબંધી, અડોશ પડોશ, સહકર્મી વીગેરે અંતિમ વિદાય આપવા ભેગા થયાં હતા. સૌના હાથમાં પોલિથીન ઝભલામાં ફૂલહાર અને ગુલાબના ફૂલ હતાં.

ગુલાબભાઇના પાર્થિવદેહ પર પુષ્પચાદર, હારતોરા અને ગુલાબના ફૂલ તેમજ પાંખડીઓના શ્રધ્ધા સુમન અર્પિત થઇ રહ્યા હતા ત્યારે ….. થયું … કે, જનાર ગુલાબ(ભાઇ)ને કદાચ આખી જીન્દગીમાં જીવતે જીવ આટલા ગુલાબ અપાયા હોત તો ? …..[મન ચકરાવે ચડયું]

અંતિમયાત્રા સ્મશાનગૃહે પહોંચી ત્યારે ….

ત્રણ ચિતા સળગી રહી હતી. ચોથી ચિતા ગુલાબભાઇ માટે તૈયાર થાય તેટલી વારમાં પાંચમી અંતિમ યાત્રા આવી. …. એમના માટે પ્રતિક્ષા કરવા સીવાય કોઇ વિકલ્પ ન હતો. … [મન ચકરાવે ચડયું]

વલસાડના સ્મશાનગૃહને ઇલેક્ટ્રીસીટી કે નેચરલ ગેસ સંચાલિત વ્યવસ્થાની જરૂર છે.

ડાઘુઓ માટે આ સોશીયલાઇઝ થવાનો પ્રસંગ બની રહ્યો … કેટલાકોએ મોબાઇલ ફોન્સને સાયલન્ટ પર મૂકીને રણકતા અટકાવ્યા પણ કામધંધેથી ખરાબ ના લાગે માટે ‘આવવું’ પડયું ને કારણે કામધધા અટકવા તો ના જોઇએને ?? ધીમા.. દબાયેલા ..મોં આડે હાથ રાખીને વાત કરી લેતા ડાઘુંઓ દાહ દેવાયની પ્રતિક્ષા કરી રહ્યા …

અને હું …..[ સાક્ષીભાવે જોતો રહ્યો .. મનને ચકરાવા દીધું. ]

ઘેર પાછા આવીને ‘નહાવું’ તો પડે જ. અને બાલ્કનીમાં ચા પીવા બેઠો ત્યારે …

તૃપ્તિએ મને કહ્યું .. આપણી પર આટલા ફૂલ કોઇ ન ચડાવે એ જોવાનું.

મેં કહ્યું … તારા વીલમાં એની નોંધ કરી દે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to ગુલાબભાઇ

  1. આ જ લેખ પર ફેસબુક પર ચાલેલી ચર્ચા અહિ પૂરક માહિતી માટે —

    Dharmesh Palsana

    અખીલભાઈ લેખ પણ સુંદર છે અને ગુલાબનો ફોટો પણ સુંદર છે…..ગુલાબને આપણે વેલેન્તાયન ડે માટે બાજુ એ મૂકીએ પણ કહેવાનું એ છે કે બધે દેખાડો જ છે પછી એ શુભ હોય કે અશુભ પ્રસંગ હોય…..દરેકને પોતાના મતલબ જેટલો જ રસ હોય છે…..અને હું પણ ગુલાબભાઈના કુટુંબીજનો માટે શોક વ્યક્ત કરી શકું છું એટલું જ કહેવાનું…..

    Ahir Navnit Maiyad

    આખી જીન્દગીમાં જીવતે જીવ આટલા ગુલાબ અપાયા હોત તો ?sprsi gayu.. Aum shanti shanti…………..

    Ashish Patel

    મને અહીં “લાઇક” .. કરવા જેવુ ન લાગ્યુ .. 😦 😦 પણ .. થોડુ મન ચચર્યુ .. કે હવે .. ખાલીખમ … સંબધો “સચવાય” છે …

    Sheetal Mehta

    અખિલભાઈ, આખીયે વાતમાં આપે જે વેધક કટાક્ષ કર્યો છે…. આવું દરેકની જિંદગીમાં ક્યારેક તો બનતું જ હોય છે… અહીં ફેસબુક પર તરેહ તરેહની પોસ્ટ જોવા મળતી હોય છે… મારા જેવા ઘણા મિત્રો હશે કે જેમને કોઈ નવો વિચાર, કોઈ નવી વાત, પસંદ તો આવે છે, પણ એ વિશે પ્રતિભાવ આપવાનું શક્ય નથી હોતું… યા તો સમય નો અભાવ, યા તો વિચારોની અભિવ્યક્તિની અસમર્થતા!!

    Akhil Sutaria ‎-

    હા,આશિષભાઇ …. એટલેજ મારા આજના બન્ને લખાણ દિમાગની આરપાર સીધે સીધા દિલની લાગણી સાથે આવડયા એવા લખી નાખ્યા છે … બંધન વગરના સંબંધ હવે કયાં જોવા મળે છે ? …. બસ, ઔપચારીકતા જ ચારે બાજુ વીંટળાઇ વળી છે. એટલે ‘લાઇક’ કરનાર મિત્રોને સવાલ પણ પૂછી જ લીધો કે ‘શું લાઇક કર્યું ?’ ….. ફેસબુકના ઓપ્શન્સ આ દ્રષ્ટીકોણથી ઓછા પડે છે.

    Akhil Sutaria ‎-

    નવનીતભાઇ, ચાલોને નક્કી કરી દઇએ … મહિને 20 રૂપિયા (યથા શક્તિ) ગુલાબના ફૂલ ખરીદવા ફાળવવા અને યોગ્ય વ્યક્તિને આપતા રહેવું !!!

    Akhil Sutaria ‎-

    બહેન, માફ કરજો … સંમત થવાય એમ નથી .. પ્રતિભાવ આપવાનું શક્ય હોય જ ..સમય હોય તો લાંબો , ના હોય તો ટૂંકો … યા તો વિચારોની અભિવ્યક્તિની અસમર્થતા એ સૌથી મોટી ગેરસમજ છે … જેવું આવડે તેવું .. પોતાના શબ્દોમાં બોલશો અને લખશો … તો જ એ અસમર્થતામાંથી સમર્થતા પ્રગટ થશે.

    Sheetal Mehta

    હા એ વાત ખરી પણ મારા જેવાને લખવામાં સંકોચ છૂટતો ન હોય એનું શું કરવું? એટલે ”લાઈક” નું બટન તો મોટા આશિર્વાદ જેવું લાગે!

    Akhil Sutaria

    બહેન …. લાઇક તો માત્ર હાજરી પૂરવાનું કામ કરે … જતો આવતો ય આજકાલ ‘લાઇક’ કરતો જતો હોય છે !!! અને લખવાનો સંકોચ તમને કેવી રીતે નડે ? તમતમારે લખી નાખો ….. બાકીનું વાંચનારને વિચારવા અને નક્કી કરવા દો …. મોજથી લખવાનું શરૂ કરી દો.

    Sheetal Mehta

    ઓક્કે!

    Akhil Sutaria ‎-

    ધર્મેશભાઇ, સંમત … સામેની વ્યક્તિ અને આપણે માણસ છીએ … મશીન નહિ એટલું યાદ રાખવાથી ય ” જીવી” જવાશે … બાકી તો શ્વાસ જ પૂરા થાય !!!

    Lavjibhai Nakrani ‎-

    સાહેબ,એક નવતર વિષય પર આપે જે આપની શૈલીથી યાંત્રિક અને શુષ્ક લાગણીઓ પ્રગટ કરતી ઔપચારિકતા નિભાવતા લોકો ,અને પરિસ્થિતિની વિષમતાનું જે ચિત્રણ રજૂ કર્યું તે ખરેખર વાસ્તવિક છે જ ..આવા યંત્રવત રિવાજોમાં પરિવર્તન પણ જરૂરી છે

    Akhil Sutaria –

    મુરબ્બી, આવા યંત્રવત રિવાજોમાં પરિવર્તન લાવવા અંગે અમલમાં મૂકી શકાય તેવા સૂચન પણ કરો તો જીવન પરિણામલક્ષી બને.

    Lavjibhai Nakrani

    એમાં એવું છે સાહેબ કે .લોકો પોતે જ નક્કી કરે કે મારી પાછળ કોઈ પણ જાતની આવી જે કોઈ ઔપચારિકતા આવતી હોય તે બિલકુલ કરવી નહી.અને સગા-સંબંધીઓને ધક્કા કરાવવા નહી,ગણતરીના લોકો એટલે કે ફરજ પડતી હોય તેટલા ને જ જવું એમ સમજીને નકી કરે તો કદાચ કઈક થઈ શકે ..

    Akhil Sutaria

    મુરબ્બી …. મુશીબત એ છે કે જનારે પોતાની ઇચ્છા વંશજોને જણાવી જ હોય છે …. પરંતુ, સગાંસંબંધીઓ બાળકો સામે ધાર્મિક.. પરંપરાગત .. રીતરીવાજોનું લીસ્ટ મૂકીને ઇમોશનલ બ્લેકમેઇલીન્ગ શરૂ કરી દે ત્યારે શું ? મેં તો મારા વસીયતની વિડિયો સીડી જ બનાવી દીધી છે. માઇક અને કેમેરાની સામે બેસી જઇને સમાજ, સગા, સંબંધી, મિત્રોને સંબોધીને મારી અંતિમ ક્રિયા કેવી રીતે કરવીની સૂચના આપી દીધી છે. અને એ સીડી … યોગ્ય ‘ઠેકાણે’ જાળવવા આપી છે.

ટિપ્પણીઓ બંધ છે.