પિતાનું કુટુંબમાં મહત્વ

પિતાનું કુટુંબમાં મહત્વ

પિતા સર્વસ્વ છે મારો આત્મા છે
મારા ગુરુ,મારા સખા , મારા સુખ-દુખ ના ભાગીદાર ,
મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર
મારા પિતા …..
આ લેખ પૂરો કરતા કરતા કદાચ રૂમાલ પણ ભીનો થઇ જશે
અને લેપટોપ નું કી બોર્ડ પણ …..

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,

દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.

સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.

કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે….
આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.

તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ,
પોતે તો જુનો લેંઘોજ વાપરશે.

સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ
તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ
જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે
અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ….

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ
રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ
પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,

કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,
પોતાની માતા મૃત્યુ પામે તોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.

પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ
પિતા એજ કરવાનું હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.
તે માંદગીથી ડરતા નથી પણ
જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.
કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.
ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,

પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે
અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે
માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ
ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ
હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના
પિતાની કોઈ નોંધ લેતું નથી.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે
માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.

રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ
પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા..

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ
મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ
દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,
તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે….

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે
પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.

– source : unknown

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.