પપ્પાના પાર્થિવ દેહને ગયા વર્ષે .. ૦૮.૦૫.૨૦૧૧ ને સવારે ૧૧.૩૦ કલાકે અગ્નિસંસ્કાર આપ્યા.
‘પપ્પા’ શબ્દ હું ક્યારે બોલતો થયો એ તો બરાબર યાદ નથી પણ, સમજતો હજી હમણા જ થયો હોઉં એમ લાગે છે. છેલ્લા ૩૬૫ દિવસ દરમ્યાન જયારે જયારે ‘પપ્પાજી’ શબ્દ બોલ્યો છું ત્યારે ત્યારે આંખ ભીની થતી રહી છે.
એકરાર કરું છું કે, ‘મમ્મી’થી દુર હતો .. પણ ‘પપ્પા’એ મને ‘મમ્મી’ની એકદમ નિકટ લાવી દીધો .. જીવનના ૫૪ વરસ બાદ મને ફરી બાળપણ મળ્યા જેવું લાગે છે. ‘પપ્પા’ને મારા કામ પ્રત્યે સતત જીજ્ઞાસા રહેતી .. તે મને કહેતા કે દર વખતે શું નવું નવું કામ શોધી કાઢે છે .. હું કહેતો રહેતો કે પછી વિગતે કહીશ .. તમને આનંદ થશે.. ‘પછી’ને કારણે મોડું થઇ ગયું. ..
‘પપ્પા’ને કહેવા જેવી ‘મારી વાતો’ મારા અંતરના ઊંડાણમાં જ રહી ન જાય તેથી આ પુસ્તક એમના મહાપ્રયાણ બાદના એક વર્ષ દરમ્યાન મને થયેલા વિચાર વંટોળનું પરિણામ ગણી શકાય. મારા માતા-પિતાના સંસ્કાર સાથે જે જીવ્યો .. જોયું.. તે લખ્યું.
૦૭.૦૫.૨૦૧૧ થી આજે ૦૭.૦૫.૨૦૧૨ દરમ્યાન ‘પપ્પા’ વગર ‘પપ્પા’ના સંસ્મરણો સાથે મારા બન્ને દીકરાઓ .. ઉદય અને ઉમંગ માટે ‘પપ્પા’ જેવો જ ‘પપ્પા’ બનવા મથી રહ્યો છું. પ્રત્યેક પરિસ્થિતિમાં તૃપ્તિએ વિના કોઈ સવાલ સંપૂર્ણ રીતે સાથ આપ્યો. ‘પપ્પા’ માટે એ પુત્રવધુ કરતા વધારે ‘દીકરી’ હતી.
‘પપ્પા’ શબ્દ હવે મારા માટે પ્રેરકબળ બની ગયો છે. ‘મમ્મી’માં જ ‘પપ્પા’ના દર્શન .. ‘પછી’ને કારણે મોડું ના થઇ જાય તે ભાવનાથી હવે … આજે .. અત્યારે …. અને હમણા જ .. મારો જીવન મંત્ર.
મારો પરિવાર, સૌ સગા સબંધી, મિત્રો કે જેમણે મને આટલું વાંચતો, સંભાળતો, બોલતો, લખતો અને વિચારતો કર્યો છે ઉપરાંત એવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળેલા તમામ નાના-મોટા, નામી-અનામી, શિક્ષિત-અશિક્ષિત લોકોને હ્રદયમાં ‘પપ્પા’ના ચિરંજીવ સંસ્મરણ સાથે મમ્મીના આશીર્વાદ પામીને હવે પછીનું શેષ જીવન બાળકો, વિદ્યાર્થીઓં, યુવાનો અને મહિલાઓને સેમિનાર / પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા જીવનપયોગી જાણકારી તથા માહિતી આપવાના અભિયાન સાથે “લોકો” માટે જીવવાનું વધારે ગમશે. … દિલથી કોશિશ કરીશ.