જોઉં છું.

મુશળધાર વરસતા વરસાદને જોઉં છું.
જમીન પર અથડાઈને ઉછળતા પાણીના ટીપાને જોઉં છું.

પન્ખીઓંને પાંખમાંથી પાણી ખંખેરતા જોઉં છું.
ખાબોચિયામાં છબછબ કરતા બાળકોને જોઉં છું.

કાળી કડાઈમાં તળાતા કાંદાના ભજીયાને જોઉં છું.
ગંદી તપેલીમાં ઉકળીને ઉભરાતી ચા જોઉં છું.

નીતરતા રેઈન કોટ માંથી પલળી ગયેલા માણસને જોઉં છું.
ભીના ખીસામાંથી કોરી “નોટ” ચૂકવાતી જોઉં છું.

સુસવાટા મારતા પવનથી તૂટી જતી સાંબેલા ધારને જોઉં છું.
આરામની ઈચ્છા હોવા છતાં કામ કરતા લોકોને જોઉં છું.

રસ્તા પર પડેલા ગાબડામાં ખાબકતા સ્કુટરિસ્ટોને જોઉં છું.
ગંદા પાણીથી ચોખ્ખા કપડાને સાચવવાની મથામણ કરતા રાહદારીને જોઉં છું.

પાંદડેથી ટપકતા પાણીથી બચવા કોશિશ કરતા લોકોને જોઉં છું.
તેમને નાકના ટેરવેથી ટપકતા પાણીને જોઉં છું.

રબરની સટરપટર કરતી સ્લીપરને જોઉં છું.
સફેદ પાયજામાને કાદવ ટપકાથી ચિતરાતો જોઉં છું.

રસ્તા પર .. વચ્ચોવચ બેઠેલી ગાયોના સમુહને જોઉં છું.
તેમને મુકેલ પોદળાઓને પાણીમાં વિખેરાતા જોઉં છું.

ઈશ્વરના ધરતી પ્રેમને વરસતો જોઉં છું.
સૃષ્ટિ પ્રત્યે ઈશ્વરને જવાબદારી નિભાવતો જોઉં છું.
મૂંગા જીવ પ્રત્યે ઈશ્વરને ફરજ અદા કરતો જોઉં છું.
કણ કણને ભીજવતા ઈશ્વરને જોઉં છું.

નહોતો આવ્યો ત્યાં સુધી કેમ નથી આવતો એવું બોલતા લોકોને જોઉં છું.
આવ્યો તો હવે ક્યારે બંધ થશે એવું બોલતા લોકોને જોઉં છું.

સરવાળે,
ભીંજાવાની સીઝનમાં કોરા રહેવા રેઇનકોટ કે છત્રીમાં સંકોચાતા લોકોને જોઉં છું.

હા, જોઉં છું કે … શું સંકોચાઈ રહ્યું છે અને શું વિસ્તરી રહ્યું છે ?
લાગણીમાં શબ્દો કે શબ્દોમાં લાગણી ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to જોઉં છું.

  1. samir કહે છે:

    એ ગરમાગરમ ભજીયા ને ચા ની ચુસકી મારતા તમને ને મને જૌઉ છુ

  2. Deejay કહે છે:

    વાહ વાહ શ્રીઅખિલભાઈ, બહુ સરસ મઝા આવી નવા રુપે મળવાની.આભાર.

ટિપ્પણીઓ બંધ છે.