સવારે કબુતરને ચણ નંખાતા હોય એમ ..
ફેસબુક પર શબ્દો આખો દિવસ નંખાતા રહે છે ..
લોકો તો જતા રહે છે એક બે કે ચાર મુઠ્ઠી ભરી ચણ નાખીને ..
કબૂતરો પણ બે ચાર કે બાર દાણા ચણીને ફરરરરર ઉડી જાય ..
તડકે તપતું, વરસાદે ભીંજાતું અને ફરી તડકે સુકાતું અને સાંજ સુધી સડતું ચણ ..
સવારના હુંફાળા શબ્દો ..
બપોરે બદલાયેલા વ્હેણમાં તણાતા શબ્દો ..
સાંજે એકલા અટુલા શબ્દો ..
રાત્રે કોઈકનો સહવાસ માંગતા શબ્દો,
શ્વાસ વગર જીવતા શબ્દો ..
અહીં તહી અફળાતા શબ્દો ..
જ્યાં ત્યાં અથડાતા શબ્દો ..
અનાયાસે અકસ્માત સર્જતા શબ્દો ..
.. ફેસબુક જીવે છે …
ત્યાં સુધી કોઈ ચિંતા નથી … આવા શબ્દોનું અવસાન થવાનું નથી..
હા, શું વાંચવું ને શું “લાઈક” કરવું … જેવા સવાલ મજબુત જરુંર થશે.
કારણકે,
હવે “અભિવ્યક્તિ” સરળ બની છે. .. ભલેને આજે “કોપી – પેસ્ટ” થાય છે ..
આવતીકાલે “મૌલિક” પણ બનશે.
નિર્મળ .. નિર્ભય .. નિડર .. મૌલિક વિચારધારા વહેતી થશે એવી
અપેક્ષા ભલે ના રખાય .. પણ ..
આશા તો રાખી જ શકાય.
વિચારવાની અને વિચારોને પ્રગટ કરવાની
તમને અને મને મળેલી આ આઝાદીનો
સાચા અર્થમાં સ્વતંત્ર બનીને ઉપયોગ કરીએ.